જમ્મુના પમ્પોરમાં વાદળ ફાટ્યું, વૈષ્ણોદેવીમાં હેલિકોપ્ટર સેવા બંધ
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 24 કલાક દરમિયાન હળવોથી ભારે વરસાદ નોંધાયો હતો. ગુરુવારે વહેલી સવારે જમ્મુ અને શ્રીનગર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદને કારણે નદીઓ અને નાળાઓ છલકાયા હતા. પુલવામાના પમ્પોરમાં વાદળ ફાટવાના કારણે એક મકાનમાં પાણી ભરાઈ ગયા હતા. જો કે, કોઈ નુકસાન થયું ન હતું. જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે રામબનના હિંગનીમાં સવારે 8 વાગ્યે પથ્થરો પડવાને કારણે એક કલાક સુધી બંધ રહ્યો હતો. વૈષ્ણોદેવીમાં હેલિકોપ્ટર સેવા દિવસભર બંધ રહી હતી. જમ્મુમાં વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. શહેરના ભથિંડી વિસ્તારમાં બે મકાનો ધરાશાયી થયા છે.
કિશ્તવાડ સહિત રાજ્યની તમામ નદીઓ અને નાળાઓના જળસ્તરમાં વધારો થયો છે. વહીવટીતંત્રે લોકોને નદીઓ અને નાળાઓથી દૂર રહેવાની સલાહ આપી છે. રાજોરીમાં સવારથી બપોર સુધી ભારે વરસાદ પડ્યો હતો. રિયાસી, સાંબા, કઠુઆ, પૂંચ, ડોડા, શ્રીનગરમાં પણ વરસાદ નોંધાયો છે. રાજોરી, સાંબા અને પૂંચમાં વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે જિલ્લા મુખ્યાલયથી ઘણા ગામડાઓ કપાઈ ગયા હતા.
આ પણ વાંચોઃ જો યુદ્ધ થાય તો કોણ વધુ મજબૂત… ઇરાન કે ઇઝરાયલ? જાણો બંનેની તાકાત
બુધલ, ગબ્બર, કોતરકા ખવાસ, ધલેરી, બદલ તરફ જતા લિંક રોડ પર વાહનવ્યવહાર થંભી ગયો હતો. કેટલાક ગામોમાં મકાનોને નુકસાન થયાના અહેવાલ છે. સાંબામાં રાત્રે 1 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ ગુરુવારે બપોરે 1 વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. પૂંચ જિલ્લામાં સવારે 9 વાગ્યે શરૂ થયેલો વરસાદ બપોરે 12 વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. કોઈ નુકસાનના અહેવાલ નથી. વરસાદના કારણે ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. સિંચાઈ માટે પાણીની જરૂરિયાત પૂરી થઈ છે.
છેલ્લા 24 કલાક દરમિયાન જમ્મુમાં 112 મીમી, રિયાસીમાં 74.5 મીમી, કટરામાં 72.9 મીમી, ઉધમપુરમાં 32.2 મીમી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ શ્રીનગરે 5 ઓગસ્ટ સુધી કાશ્મીર અને જમ્મુ વિભાગમાં મોટા ભાગના સ્થળોએ સામાન્ય રીતે વાદળછાયું આકાશ અને હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન રાજ્યના સંવેદનશીલ સ્થળોએ અચાનક પૂર, વાદળ ફાટવા અને ભૂસ્ખલનની સંભાવના છે. દિલ્હીમાં IMDના વડા મૃત્યુંજય મહાપાત્રાએ ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં વરસાદમાં 35થી 45 ટકાની ઘટ રહી છે.