LoC પર પાકિસ્તાનનું કાવતરું નિષ્ફળ, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

Jammu Kashmir: પાકિસ્તાને ફરી એકવાર LoC પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો. આ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાને ભારે નુકસાન થયું. ભારતીય સેનાએ સત્તાવાર રીતે યુદ્ધવિરામ ઉલ્લંઘનની પુષ્ટિ કરી છે. અગાઉ ફેબ્રુઆરીમાં કૃષ્ણા ઘાટી સેક્ટરમાં ગોળીબારની આવી જ ઘટનાઓ નોંધાઈ હતી.

ભારતીય સેનાએ પૂંછ જિલ્લાના કૃષ્ણા ઘાટી વિસ્તારમાં પાકિસ્તાની સેનાના ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. પાકિસ્તાની સૈનિકો અને ઘુસણખોરોએ ગોળીબાર કર્યો. જેના પગલે ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાના ચારથી પાંચ ઘુસણખોરો માર્યા ગયા હતા. જોકે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ભારતીય સેનાએ સ્પષ્ટતા કરી કે આ અથડામણમાં ભારતીય પક્ષને કોઈ નુકસાન થયું નથી.

LoC પર ગોળીબારની ઘટનાઓમાં વધારો
છેલ્લા બે મહિનામાં, નિયંત્રણ રેખા પર ખાસ કરીને દક્ષિણ પીર પંજાલ ક્ષેત્રમાં, ગોળીબારની ઘટનાઓમાં વધારો થયો છે. આમાં પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ (BAT) દ્વારા સ્નાઈપિંગ, ગોળીબાર અને હુમલાઓનો સમાવેશ થાય છે. સેનાના સૂત્રોનું કહેવું છે કે ભારતીય સૈનિકો સ્થાનિક સ્તરે આ ઘટનાઓનો યોગ્ય જવાબ આપી રહ્યા છે. ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, આજે જમ્મુ અને કાશ્મીરના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ઘૂસણખોરીના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. જેને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ડીસા GIDCમાં ફેક્ટરી બ્લાસ્ટ મામલે અન્ય એક આરોપીની ધરપકડ

નોંધનીય છે કે ગોળીબારની આ વધતી જતી ઘટનાઓ એવા સમયે બની રહી છે જ્યારે ભારત અને પાકિસ્તાને લગભગ ચાર વર્ષ પહેલાં, ફેબ્રુઆરી 2021 માં નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામ કરાર પુનઃસ્થાપિત કર્યો હતો. સરહદ પર શાંતિ અને સ્થિરતા જાળવવાના ઉદ્દેશ્યથી બંને દેશોના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) વચ્ચે આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જોકે, તાજેતરના યુદ્ધવિરામ ઉલ્લંઘનો ખાસ કરીને પૂંછ સેક્ટરમાં આ કરારની નાજુકતા દર્શાવે છે અને પાકિસ્તાનના નાપાક ઇરાદાઓનો પુરાવો છે.