December 24, 2024

ઉરીમાં ઘુસણખોરીની કોશિશ નાકામ, 4-5 આતંકવાદીઓને ઘેર્યા; 1 આતંકી ઠાર

Encounter in Kashmir: સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના બારામુલા જિલ્લાના ઉરીમાં ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. પાકિસ્તાન તરફથી આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા ઘૂસણખોરો અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ છે. જેમાં એક આતંકી માર્યો ગયો છે. ચારથી પાંચ આતંકવાદીઓએ ભારતમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ સીમા સુરક્ષામાં તૈનાત સૈનિકોએ તેમને જોયા અને એન્કાઉન્ટર શરૂ થયું.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરક્ષા દળોએ ચારથી પાંચ આતંકવાદીઓને ઘેરી લીધા છે, જ્યારે અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો છે. ઘૂસણખોરીની આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 15 દિવસમાં ચાર મોટી આતંકી ઘટનાઓ સામે આવી છે. એક જગ્યાએ શ્રદ્ધાળુઓથી ભરેલા ગામ પર હુમલો થયો અને બીજી જગ્યાએ આતંકવાદીઓએ ગામમાં આતંક ફેલાવ્યો. સરકારે કાશ્મીરમાં બગડતી સ્થિતિ અને વધતા આતંકવાદ અંગે સમીક્ષા બેઠક પણ યોજી હતી.

કાશ્મીરમાં 15 દિવસમાં ચાર મોટા આતંકી હુમલા
છેલ્લા 15 દિવસમાં જમ્મુ-કાશ્મીરમાં ચાર સ્થળોએ મોટા આતંકી હુમલા જોવા મળ્યા છે. રિયાસી, કઠુઆ અને ડોડા જિલ્લામાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. સૌથી પહેલા 9 જૂને રિયાસી જિલ્લામાં ભક્તોથી ભરેલી બસ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેના કારણે ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ છોડી દીધો હતો અને બસ ખીણમાં પડી હતી. આ આતંકવાદી ઘટનામાં 9 લોકોના મોત થયા હતા, જ્યારે 30 લોકો ઘાયલ થયા હતા.

આ પણ વાંચો: ISROએ ફરી કરી કમાલ, RLV પુષ્પકનું સતત ત્રીજુ લેન્ડિંગ સફળ

બીજો આતંકી હુમલો 11 જૂને કઠુઆમાં થયો હતો. જિલ્લાના સૈદા ગામમાં બે આતંકવાદીઓ ઘૂસ્યા હતા. જ્યારે સુરક્ષાદળોને આ અંગેની માહિતી મળી તો તેઓ સર્ચ ઓપરેશન માટે ત્યાં પહોંચ્યા. આ દરમિયાન એન્કાઉન્ટર શરૂ થયું જેમાં સીઆરપીએફનો એક જવાન શહીદ થયો. આતંકી હુમલામાં એક સ્થાનિક રહેવાસી પણ ઘાયલ થયો હતો. જો કે આખરે સુરક્ષા દળોએ બંને આતંકીઓને ઠાર કર્યા હતા. બંને આતંકીઓ પાકિસ્તાનથી આવ્યા હતા.

11 જૂને જ ડોડામાં આતંકી હુમલો થયો હતો. ભદરવાહ-પઠાણકોટ રોડ પર સ્થિત એક ચેક પોસ્ટ પર આતંકીઓએ હુમલો કર્યો હતો. આમાં રાષ્ટ્રીય રાઈફલ્સના પાંચ જવાનો અને એક વિશેષ પોલીસ અધિકારી (એસપીઓ) ઘાયલ થયા હતા. આ પછી સુરક્ષાદળોએ આતંકીઓની શોધમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. બુધવાર 12 જૂનની રાત્રે આતંકવાદીઓએ ફરીથી સુરક્ષા દળો પર હુમલો કર્યો. આ હુમલામાં જમ્મુ-કાશ્મીર પોલીસનો એક કોન્સ્ટેબલ ઘાયલ થયો હતો.