Jammu Kashmir Encounter: સોપોરમાં આતંકીઓ સાથે અથડામણમાં 2 આતંકી ઠાર
Jammu Kashmir Encounter: ઉત્તર કાશ્મીરના બારામુલાના સોપોરમાં બુધવારે બપોરે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ. આ ફાયરિંગમાં બે આતંકીઓને સુરક્ષા દળો દ્વારા ઠાર મારવામાં આવ્યા છે. જોકે, આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી દરમિયાન એક પોલીસકર્મી ઘાયલ થયો છે. ઘાયલ જવાનને તુરંત સારવાર માટે હોસ્પિટલ ખસેવામાં આવ્યો છે. હાલ, આતંકીઓ સામે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
આતંકીઓની શંકાસ્પદ હિલચાલની મળી હતી માહિતી
સોપોરના હાદીપોરા ગામમાં બુધવારે સવારે આતંકીઓની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હોવાની સૂચના બાદ પોલીસ અને સુરક્ષા દળોએ તુરંત વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સોપોર પોલીસ, સેનાની 32RR અને CRPFના જવાનોએ સમગ્ર વિસ્તારમાં મોટા પ્રમાણમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ વિસ્તાર જીડીસી હાદીપોરા અને પનાશ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ હાદીપોરા પાસે હતું. સાવચેતી રાખતા આ બંને બંધ કરી દેવામાં આવ્યા હતા જેથી કોઈને નુકસાન ન થાય. સુરક્ષા દળોનો ઘેરાવો વધુ મજબૂત થતો જોઈને આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેનો સુરક્ષા દળોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. આખરે સુરક્ષા દળો સાથે અથડામણમાં બે આતંકીઓ ઠાર મારવામાં આવ્યા.
સાંબામાંથી મળી શંકાસ્પદ બેગ, સેનાનો યુનિફોર્મ અને કારતૂસ
જમ્મુના કઠુઆ જિલ્લાના હીરાનગર તાલુકાના સૈદા સોહલમાં આતંકીઓ હોવાની માહિતી મળતા સાંબા જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં શંકાસ્પદ લોકો દેખાયાની માહિતીને આધારે પોલીસ, સેના અને સુરક્ષા દળોને એલર્ટ રાખવામાં આવ્યા છે. મંગળવારે સેનાની કયુઆરટી વાનના જવાનોને વિસ્તારમાં આવેલ વીર ભૂમિ પાર્કના ગેટ બહાર એક શંકાસ્પદ બેગ મળી આવી હતી. જેની માહિતી પોલીસને આપવામાં આવી હતી. બેગની તપાસ કરતાં તેમાંથી સેનાનો યુનિફોર્મ, ટીશર્ટ, પાયજામો અને એસએલઆરનો કારતૂસ પણ મળી આવ્યો હતો. જેને પોલીસે જપ્ત કર્યા હતા.