પહલગામ હુમલામાં મૃતકોને અમતિશાહે આપી શ્રદ્ધાંજલિ, ઈજાગ્રસ્તો સાથે મુલાકાત કરી 

Amit Shah: જમ્મુ કાશ્મીરના મુખ્ય પર્યટન સ્થળ પહલગામ પર થયેલા આતંકવાદી હુમલાને કારણે સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 26 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગરમાં છે. તેમણે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે. તેઓ આજે પોલીસ કંટ્રોલ રૂમમાં પહોંચ્યા, જ્યાં તેમણે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા પ્રવાસીઓના મૃતદેહ પોલીસ કંટ્રોલ રૂમમાં રાખવામાં આવ્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પહલગામમાં ઘટના સ્થળની મુલાકાત લેશે અને ઘાયલોની હાલત પૂછવા માટે હોસ્પિટલ જશે. આ પછી દિલ્હી પરત ફરશે. ગઈકાલે થયેલા હુમલા બાદ શાહે કહ્યું, ‘જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાથી હું દુઃખી છું. મારી સંવેદનાઓ મૃતકોના પરિવારો સાથે છે. આ જઘન્ય આતંકવાદી હુમલામાં સામેલ લોકોને છોડવામાં આવશે નહીં અને અમે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરીશું. તેમને સૌથી કઠોર સજા આપવામાં આવશે. મેં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ ઘટના વિશે જાણ કરી અને સંબંધિત અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક યોજી.

પીએમ મોદી સાઉદી પ્રવાસ છોડીને સ્વદેશ પરત ફર્યા
વડા પ્રધાન મોદીએ સાઉદી અરેબિયાની તેમની સત્તાવાર મુલાકાત રદ કરી અને બુધવારે દિલ્હી પાછા ફર્યા, સત્તાવાર રાત્રિભોજન છોડી દીધું. એરપોર્ટ પર તેમણે NSA અજિત ડોભાલ અને વિદેશ મંત્રી એસ જયશંકરને મળ્યા અને પહલગામ હુમલા વિશે માહિતી મેળવી. હુમલામાં માર્યા ગયેલા લોકોમાં સંયુક્ત આરબ અમીરાત અને નેપાળના બે વિદેશીઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત બે સ્થાનિક લોકોના પણ મોત થયા છે.