Jammu and Kashmir: ચેરવાન કંગન વિસ્તારમાં વાદળ ફાટ્યું, શ્રીનગર-કારગિલ રોડ બંધ
Jammu and Kashmir: દેશના પહાડી રાજ્યોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ સતત જોવા મળી રહી છે. જમ્મુ-કાશ્મીરના ચેરવાન કંગન વિસ્તારમાં વાદળ ફાટ્યા બાદ શ્રીનગર-કારગિલ રોડ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, જમ્મુ-કાશ્મીરના ચેરવાન કંગન વિસ્તારમાં રવિવારે સવારે વાદળ ફાટ્યું હતું. વાદળ ફાટવાને કારણે અચાનક પૂર આવ્યું હતું. જેના કારણે શ્રીનગર-કારગિલ રૂટ બંધ કરી દેવામાં આવ્યો હતો.
ઘરમાં પાણી ઘુસી જતાં ઘરોને ભારે નુકસાન થયું હતું
એટલું જ નહીં, પૂરના પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે અને ઘરોને પણ ભારે નુકસાન થયું છે. અનેક વાહનો કાટમાળમાં ફસાયા છે. દરમિયાન, વાદળ ફાટ્યા બાદ વહીવટીતંત્રે આ માર્ગ પર મુસાફરી કરનારાઓ માટે સૂચનાઓ જારી કરી છે. વહીવટીતંત્રે પ્રવાસીઓને શ્રીનગર-કારગિલ રૂટ ખુલે ત્યાં સુધી મુસાફરી કરવાનું ટાળવાની સલાહ આપી છે.
હિમાચલ – ઉત્તરાખંડમાં ભૂસ્ખલન અને વાદળ ફાટ્યા
નોંધનીય છે કે 1 ઓગસ્ટના રોજ હિમાચલ પ્રદેશના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં વાદળ ફાટવાની ઘટનાઓ બની હતી. મંડી, રામપુર, કુલ્લુ સહિત હિમાચલના ઘણા વિસ્તારોમાં વાદળ ફાટ્યું હતું. જેના કારણે અનેક મકાનો ધરાશાયી થયા અને અનેક લોકોના મોત પણ થયા. આ સિવાય ઉત્તરાખંડમાં પણ ભૂસ્ખલન અને વાદળ ફાટવાની ઘટનાઓને કારણે ઘણું નુકસાન થયું છે.