December 26, 2024

જયશંકરની ટિપ્પણીથી ચાઇનીઝ મીડિયાએ લાગ્યા મરચાં, કહ્યું: અમેરિકાની દેખાદેખી…”

S Jaishankar: શનિવારે વિદેશ મંત્રી એસ જશંકરે એક નિવેદનમાં કહ્યું હતું કે ભારતમાં ચીની રોકાણની કડક તપાસ થવી જોઈએ. વર્લ્ડ લીડર્સ ફોરમમાં બોલતા, વિદેશ મંત્રીએ કહ્યું કે ઘણા દેશો સુરક્ષાના કારણોસર ચીનના રોકાણની તપાસ કરે છે અને ભારતે પણ આવું કરવું જોઈએ. વિદેશ મંત્રીના આ નિવેદનથી ચીનના સરકારી મીડિયાને મરચાં લાગ્યા છે અને તેણે ભારત વિરુદ્ધ ઊભરો ઠાલવ્યો છે. ચીની અખબારે લખ્યું છે કે ચીનના રોકાણની તપાસ કરવાથી ભારતના પોતાના હિતોને નુકસાન થશે અને તેનું ઉત્પાદન ક્ષેત્ર પાછળ રહી જશે.

ચીની અખબારે લખ્યું, ચીની રોકાણની તપાસથી ભારતના પોતાના વિકાસમાં દુવિધા ઊભી થઈ શકે છે કારણ કે તેમાં રાજકીય અને આર્થિક વિચારો એકબીજા સાથે જોડાયેલા છે. ભારત માટે રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા વચ્ચે સંતુલન જાળવી રાખવું જરૂરી છે. બંને દેશો વચ્ચે પરસ્પર વિશ્વાસ વધાર્યા વિના, ભારત ચીનના રોકાણમાં વધારો કરી શકશે નહીં જે તેના ઉત્પાદન ક્ષેત્રની પ્રગતિ માટે મહત્વપૂર્ણ છે.

“પશ્ચિમી દેશોની દેખાદેખી…”: ચીની મીડિયા
વિદેશ મંત્રી જયશંકરના નિવેદનનો ઉલ્લેખ કરતા ચીની મીડિયાએ લખ્યું છે કે તેમની ટિપ્પણી અમુક હદ સુધી ભૂ-રાજકીય અને સુરક્ષા મુદ્દાઓ પર ચીન પ્રત્યેના ભારતના વલણને પ્રતિબિંબિત કરે છે અને આ એક મહત્વપૂર્ણ કારણ છે કે ભારત ચીનના રોકાણને લઈને અવિશ્વાસ ધરાવે છે.

પશ્ચિમી દેશો પર પોતાનો ગુસ્સો ઠાલવતાં ચીની અખબારે લખ્યું, ‘ભારતનું વલણ પશ્ચિમી દેશો, ખાસ કરીને અમેરિકાથી પ્રેરિત છે, જે ચીનને સુરક્ષા માટે જોખમ તરીકે જુએ છે અને ચીનથી અલગ થવાનો બહાર મૂકે છે. પશ્ચિમી દેશોની જેમ ભારત પણ આર્થિક મુદ્દાઓમાં સુરક્ષાના ખ્યાલ પર વધુ પડતો ભાર આપી રહ્યું છે. પરિણામ એ આવ્યું છે કે ચીન પ્રત્યે ભારતની રોકાણ નીતિ સુરક્ષા દુવિધામાં અટવાઈ ગઈ છે.

‘રોકાણ પર પ્રતિબંધથી ભારતના ઉત્પાદન ઉદ્યોગને નુકસાન
ચીની અખબારે લખ્યું કે ભારતને તેના ઉત્પાદનને વેગ આપવા માટે ચીનના રોકાણની જરૂર છે અને તે ચીનના રોકાણથી પણ સાવધાન પણ થઈ રહ્યું છે. આ બેવડી ચિંતા ન માત્ર તેના મેન્યુફેક્ચરિંગ વિકાસને અવરોધશે પરંતુ દેશમાં વિભાજન પણ વધારશે.