May 19, 2024

BJPને હરાવવા ‘INDIA’ ગઠબંધનમાં માયાવતીનું સ્વાગત છે: જયરામ રમેશ

Lok Sabha Election 2024: કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે INDIA ગઠબંધનને લઇને અને બહુજન સમાજ પાર્ટીની એન્ટ્રીને લઈને મોટું નિવેદન આપ્યું છે. જયરામ રમેશે શનિવારે (24 ફેબ્રુઆરી) કહ્યું કે ભાજપને હરાવવા માટે માયાવતીએ સાથે આવવું જોઈએ. વધુમાં કહ્યું કે ‘INDIA’ ગઠબંધનમાં માયાવતીનું સ્વાગત છે. આગામી લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ બેઠકોની દ્રષ્ટિએ સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં પોતાને મજબૂત કરવા માંગે છે.

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા માટે મુરાદાબાદ પહોંચેલા જયરામ રમેશે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું કે આજે આપણા દેશમાં સૌથી મોટો મુદ્દો ખેડૂતો પર થતા અત્યાચારનો છે. મોદી સરકાર ખેડૂતોની અવગણના કરી રહી છે. અમારી પાર્ટી આ બાબતે ગંભીર છે. ખેડૂતોના મુદ્દે કોંગ્રેસના રાહુલ ગાંધી અને મલ્કીકાર્જુન ખડગે ખેડૂતોની સાથે છે. બીજી બાજુ સપા સાથે સીટ વહેંચણી અંગે તેમણે કહ્યું કે ગઠબંધન માટે સંતુલિત ખૂશી જરૂરી છે. બસપાના ગઠબંધનમાં આવવાની સંભાવના વિશે પૂછવામાં આવેલા પ્રશ્ન પર જયરામ રમેશે કહ્યું કે કોંગ્રેસના પ્રભારી અવિનાશ પાંડેએ કહ્યું છે કે અમારા દરવાજા ખુલ્લા છે. જે લોકો ભાજપને હરાવવા માગે છે તેઓ અમારી સાથે આવે. તેમનું સ્વાગત છે.

તાજેતરમાં માયાવતીએ પણ પક્ષ લીધો હતો
નોંધનીય છે કે બસપા સુપ્રીમો માયાવતીએ હજુ સુધી ‘INDIA’ ગઠબંધનમાં સામેલ થવાના કોઈ સંકેત આપ્યા નથી. તેમને સાથે લાવવા માટે અનેક વખત પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ મામલો ઉકેલાયો નથી. તાજેતરમાં જ માયાવતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા કહ્યું હતું કે બીએસપી પાર્ટીનું કોઇ પણ પાર્ટી સાથે ગઠબંધન નથી અને આ અંગે ઘણી વખત સ્પષ્ટ ઘોષણાઓ કરવામાં આવી છે, પરંતુ વારંવાર અફવાઓ ફેલાવવી એ સાબિત કરે છે કે બસપા વિના, કેટલાક પક્ષો અહીં આગળ વધવાના નથી. બહુજન પાર્ટી પોતાની તાકાત પર લોકસભાની ચૂંટણી લડશે અને પાર્ટીનો આ નિર્ણય અડગ છે. વધુમાં બસપા સુપ્રીમોએ કહ્યું કે લોકોએ આવી અફવાઓથી સાવધ રહેવાની જરૂર છે.