December 20, 2024

Jaipur Tanker Blast: LPG ટેન્કર બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત, ઘણા લાપતા

Jaipur Tanker Blast: જયપુરના ભાંકરોટા વિસ્તારમાં સવારે થયેલા ભયાનક અકસ્માતે સમગ્ર વિસ્તારને ચોંકાવી દીધા હતા. દિલ્હી પબ્લિક સ્કૂલ પાસે LPG ટેન્કર અને ટ્રક વચ્ચે ટક્કર થતાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં 11 લોકો ઘટનાસ્થળે જ મોત ગયા હતા. જ્યારે 35 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. અકસ્માત બાદ બસના 14 મુસાફરો અને ડ્રાઈવર-કંડક્ટર હજુ પણ લાપતા છે.

એલપીજી ટેન્કર અજમેરથી જયપુર આવી રહ્યું હતું. ટેન્કર ડીપીએસ સ્કૂલ પાસે યુ-ટર્ન લઈ રહ્યું હતું, ત્યારે જયપુર તરફથી આવી રહેલી એક ટ્રક ટેન્કરની નોઝલ સાથે અથડાઈ હતી. નોઝલમાંથી લગભગ 18 ટન ગેસ ફેલાયો અને 200 મીટરની ત્રિજ્યામાં ગેસ ચેમ્બર બની ગઇ હતી. થોડી જ સેકન્ડોમાં ટેન્કરમાં જોરદાર વિસ્ફોટ થયો, જેના કારણે નજીકના વાહનોમાં આગ લાગી ગઈ.

વિશાળ આગ અને વિનાશ
વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આગની જ્વાળાઓ આકાશ સુધી પહોંચી ગઈ હતી. ઘટના સ્થળે પાર્ક કરેલી સ્લીપર બસમાં 34 મુસાફરો હતા. બસ સંપૂર્ણપણે બળી ગઈ હતી, જેમાં 20 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. તે જ સમયે, આગની જ્વાળામાં ઘણા પક્ષીઓ બળી ગયા હતા. બાઇકચાલકનું હેલ્મેટ તેના ચહેરા પર ચોંટી ગયું હતું, જેના કારણે તેની આંખો બળી ગઈ હતી. હોસ્પિટલમાં એક ડેડ બોડી આવી, જેમાંથી માત્ર ધડ બાકી હતું, માથું અને પગ ગાયબ હતા.

તપાસ અને રાહત કાર્ય ચાલુ છે
ફાયર બ્રિગેડની ટીમે કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. વહીવટીતંત્રે પીડિતોને શક્ય તમામ મદદની ખાતરી આપી છે. ઘાયલ મુસાફરોને જયપુરની અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગુમ થયેલા લોકોની શોધખોળ અને મૃતકોની ઓળખ ચાલુ છે. આ અકસ્માત સલામતીના ધોરણોની બેદરકારીનું દર્દનાક ચિત્ર રજૂ કરે છે. વહીવટીતંત્રથી લઈને સામાન્ય નાગરિક સુધી દરેક માટે આ ચેતવણી છે કે સલામતીના પગલાંને પ્રાથમિકતા આપવી જોઈએ.