July 5, 2024

5000 વર્ષથી ધબકે છે મૂર્તિમાં ભગવાન કૃષ્ણનું હૃદય, દર 12 વર્ષે નવી મૂર્તિમાં ટ્રાન્સફર થાય છે

અમદાવાદઃ આગામી 7મી જુલાઇના દિવસે ભગવાન જગન્નાથજી, ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજી નગરજનોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળશે. ત્યારે વિશ્વની પ્રથમ ક્રમાંકની અને સૌથી જૂની રથયાત્રા જગન્નાથ પુરીમાં યોજવામાં આવે છે. ત્યારબાદ બીજો નંબર અમદાવાદનો આવે છે. જગન્નાથ પુરીમાં આવેલા મંદિર સાથે અનેક તથ્યો જોડાયેલા છે. એક એવી માન્યતા છે કે, ભગવાન શ્રીકૃષ્ણનું હૃદય આજે પણ મૂર્તિમાં ધબકી રહ્યું છે. આવો જાણીએ સમગ્ર માહિતી…

એક દંતકથા પ્રમાણે, ભગવાન કૃષ્ણએ તેમનો અંતિમ સમય સૌરાષ્ટ્રના પ્રભાસ ક્ષેત્રમાં પસાર કર્યો હતો. ત્યારે એક દિવસ અચાનક પારધી બાણ છોડે છે અને તે બાણ ઝાડની નીચે આરામ કરી રહેલા ભગવાનના પગમાં વાગે છે. ત્યારબાદ તેઓ તે ઝાડ નીચે જ પ્રાણ ત્યજી દે છે. ભગવાન શ્રીકૃષ્ણના મૃત્યુ બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. ભગવાનનું સમગ્ર શરીર બળીને ખાક થઈ જાય છે. પરંતુ એકમાત્ર હૃદય તેવું જ રહે છે. પછી હૃદય અરબ સાગરમાં વહીને જગન્નાથ પુરીના દરિયાકિનારે આવીને અટકે છે. ત્યારે એક રાજાને સ્વપ્નમાં આવીને ભગવાન કહે છે કે, દરિયામાં એક લાકડું છે, તે લાવીને મારી મૂર્તિ બનાવ. રાજા ભગવાનના કહ્યા પ્રમાણે કરે છે અને તેમાં ભગવાનનું હૃદય ધબકતું હોય છે.

આ પણ વાંચોઃ અમદાવાદના જગન્નાથ મંદિરમાં યોજાઈ જળયાત્રા

ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્રની મૂર્તિ લીમડાના ઝાડના લાકડાંમાંથી બનાવવામાં આવતી હોય છે. તેમ જ નિયમ પ્રમાણે દર 12 વર્ષે નવી મૂર્તિ બનાવવામાં આવે છે. તો જ્યારે ભગવાન જગન્નાથજીની મૂર્તિ બદલવામાં આવે છે, ત્યારે તેમાં રહેલા ભગવાન કૃષ્ણના હૃદયને કાઢીને નવી મૂર્તિમાં મૂકવામાં આવે છે.

પુરીમાં રહેતા એક સ્થાનિક જણાવે છે કે, ‘ભગવાન કૃષ્ણનું હૃદય જ્યારે ટ્રાન્સફર કરવામાં આવે છે. તે સમયે મંદિર જ નહીં સમગ્ર જગન્નાથ પુરી શહેરમાં પાવર કાપી નાંખવામાં આવે છે. આ વિધિ કરતી વખતે પૂજારીની આંખે પણ પાટા બાંધી દેવામાં આવે છે અને હાથમાં મોજાં પહેરાવી દેવામાં આવે છે.’ જે પૂજારીઓએ આ હૃદય ટ્રાન્સફર કર્યુ છે તેમણે જણાવ્યું હતું કે, ‘તે ચમત્કારિક વસ્તુ હાથમાં લેતા જ તેની શક્તિનો અંદાજો લગાવી શકાય છે. હજુ પણ આ હૃદય ધબકતું હોય તેવું અનુભવાય છે. કૃષ્ણના દેહાંતને 5000 હજાર વર્ષ કરતાં પણ વધુ સમય થઈ ગયો હોવા છતાં, ભગવાનનું હૃદય તે જ સ્થિતિમાં છે.’

પૂજારીનું કહેવું છે કે, ‘જેમ શરીર ઘરડું થાય છે, તેમ ભગવાનની મૂર્તિ પણ જીવંત હોય તેમ ક્ષીણ થવા લાગે છે. તેથી દર 12 વર્ષે મૂર્તિ બદલવામાં આવે છે. આ સાથે જ ભગવાનનું હૃદય કે જેને ‘બ્રહ્મ પદાર્થ’ તરીકે ઓળખવામાં આવે છે, તેને પણ નવી મૂર્તિમાં મૂકવામાં આવે છે.’