November 15, 2024

સાઉદી અરેબિયામાં ‘ગરમી બની કાળ’! હીટ સ્ટ્રોકના કારણે 19 હજ યાત્રીઓના મોત

Saudi Arabia Hajj Pilgrimage Death: ઈદ-ઉલ-અઝહા એટલે કે બકરીદના તહેવાર દરમિયાન સાઉદી અરેબિયાથી મોટી સંખ્યામાં હજ યાત્રીઓ પહોંચ્યા છે. આ દરમિયાન સાઉદીમાં કાળઝાળ ગરમીના કારણે ખાસ કરીને વૃદ્ધોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મક્કામાં ગરમીને કારણે 19 હજ યાત્રીઓના મૃત્યુ થયા છે, જે જોર્ડન અને ઇરાનના હતા. બંને દેશોના અધિકારીઓએ આ મૃત્યુની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે આ લોકોના મોત તાપમાન વધવાને કારણે થયા છે.

જોર્ડન અને ઈરાનના 19 લોકોના મોત થયા
જોર્ડનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘હજ દરમિયાન 14 જોર્ડનના શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે 17 અન્ય લાપતા છે.’ ઈરાની રેડ ક્રેસન્ટના વડા પીરહોસેન કૌલીવંદે જણાવ્યું હતું કે, ‘આ વર્ષની હજ દરમિયાન અત્યાર સુધીમાં પાંચ ઈરાની યાત્રાળુઓએ મક્કા અને મદીનામાં જીવ ગુમાવ્યા છે.’

સાઉદી જનરલ ઓથોરિટી ફોર સ્ટેટિસ્ટિક્સ અનુસાર, આ વર્ષે લગભગ 1.8 મિલિયન મુસ્લિમો હજ યાત્રા માટે સાઉદી અરેબિયા પહોંચ્યા છે. આ વર્ષે સાઉદી અરેબિયામાં પાંચ દિવસીય હજ યાત્રા દરમિયાન આકરી ગરમી પડવાની સંભાવના છે. મક્કામાં તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસ (118 ડિગ્રી ફેરનહીટ) પર પહોંચી ગયું છે.

ગરમીથી મક્કા પરેશાન
મક્કામાં ગરમીથી બચવા માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે, જેથી હજ યાત્રીઓને આરામદાયક લાગે. અહીં, વિવિધ સ્થળોએ પાણી વિતરણની સાથે, સૂર્યથી પોતાને કેવી રીતે સુરક્ષિત રાખવું તે અંગે વારંવાર સલાહ આપવામાં આવી રહી છે. એએફપીના અહેવાલ મુજબ, સાઉદીના એક અધિકારીએ જણાવ્યું કે ગયા વર્ષે તેમના દેશમાં 10,000 થી વધુ ગરમી સંબંધિત બિમારીઓ નોંધાઈ હતી, જેમાંથી 10 ટકા હીટ સ્ટ્રોક હતા. જોર્ડનના વિદેશ મંત્રાલયે રવિવારે (16 જૂન) કહ્યું કે તેઓ મૃતકોના મૃતદેહોને તેમના પરિવારજનોની ઈચ્છા અનુસાર દફનાવવાની અથવા તેમને તેમના ઘરે પરત મોકલવાની તૈયારી કરી રહ્યા છે.