December 23, 2024

ઈઝરાયલની સેનાને મળી મોટી સફળતા, ગાઝાની હોસ્પિટલમાંથી હમાસના 100 આતંકી ઝડપાયા

Israel Hamas War: હમાસ વિરુદ્ધ યુદ્ધ લડી રહેલી ઈઝરાયલની સેનાને મોટી સફળતા મળી છે. ઈઝરાયેલના સુરક્ષા દળોએ જણાવ્યું કે ઈઝરાયલી સૈનિકોએ ઉત્તરી ગાઝામાં કમાલ અદવાન હોસ્પિટલમાં દરોડા દરમિયાન લગભગ 100 શંકાસ્પદ હમાસ આતંકવાદીઓને પકડી લીધા છે. બીજી બાજુ, ગાઝાના આરોગ્ય અધિકારીઓ અને હમાસે હોસ્પિટલમાં કોઈપણ આતંકવાદીઓની હાજરીનો ઈન્કાર કર્યો છે. નોંધનીય છે કે, ગયા અઠવાડિયે શુક્રવારે ઇઝરાયલી સેનાએ આ હોસ્પિટલ પર હુમલો કર્યો હતો.

આતંકવાદીઓ પકડાયા
ઇઝરાયલી સેનાએ જણાવ્યું, “સૈનિકોએ કમ્પાઉન્ડમાંથી અંદાજે 100 આતંકવાદીઓને પકડી લીધા હતા, જેમાં નાગરિકોને બહાર કાઢવા દરમિયાન ભાગી જવાનો પ્રયાસ કરનારાઓનો પણ સમાવેશ થાય છે,” હોસ્પિટલની અંદરથી તેમને હથિયારો, આતંકવાદી ભંડોળ અને ગુપ્તચર દસ્તાવેજો મળી આવ્યા હતા.”

ઘણા લોકો મૃત્યુ પામ્યા
ગાઝામાં પેલેસ્ટિનિયન હેલ્થ મિનિસ્ટ્રીએ કહ્યું છે કે હમાસ અને ઈઝરાયલ વચ્ચે વર્ષોથી ચાલેલા યુદ્ધમાં 43,000 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે.

હમાસના આતંકવાદીઓએ હુમલો કર્યો
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે. હાલમાં, યુદ્ધ અટકવાના કોઈ સંકેત નથી. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ત્યારે શરૂ થયું જ્યારે હમાસના આતંકવાદીઓએ ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો. હમાસના આતંકવાદીઓએ હુમલો કરીને લગભગ 1200 ઈઝરાયલી નાગરિકોની હત્યા કરી હતી અને 250 લોકોને બંધક બનાવી લીધા હતા. ઇઝરાયેલે વળતો જવાબ આપ્યો અને ગાઝામાં મોટાપાયે બોમ્બમારો શરૂ કર્યો, જે હજુ પણ ચાલુ છે. ઈઝરાયલના હુમલાને કારણે ગાઝાનું 75 ટકા ઈન્ફ્રાસ્ટ્રક્ચર કાટમાળમાં ફેરવાઈ ગયું છે. સ્થિતિ ખૂબ જ ભયાનક છે. ગાઝાના લોકો પાણી, ભોજન અને અન્ય મૂળભૂત સુવિધાઓની અછતથી પીડાઈ રહ્યા છે.