July 3, 2024

રોજ ટોર્ચર અને શારીરિક-માનસિક શોષણ… ઈઝરાયલે ગાઝાના 55 કેદી કર્યા મુક્ત

Israel : ગાઝા અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધને 8 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. આ યુદ્ધ 7 ઓક્ટોબરે શરૂ થયું જ્યારે હમાસે ઈઝરાયલ પર હુમલો કર્યો. જે બાદ ઈઝરાયલે ગાઝા પર સતત જવાબી કાર્યવાહી કરી હતી. તેમજ હમાસ અને ઈઝરાયલ બંનેએ એકબીજાના નાગરિકોને બંદી બનાવી રાખ્યા છે.

માહિતી સામે આવી છે કે ઈઝરાયલે 55 પેલેસ્ટાઈન કેદીઓને મુક્ત કર્યા છે. માહિતી આપતા પેલેસ્ટિનિયન આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે ઇઝરાયલે ગાઝામાંથી બંધક બનાવવામાં આવેલા 55 પેલેસ્ટાઈનીઓને મુક્ત કર્યા છે. ગાઝાની અલ-શિફા હોસ્પિટલના ડિરેક્ટર પણ કેદીઓમાં સામેલ છે.

હોસ્પિટલના ડાયરેક્ટરને પણ મુક્ત કર્યા
ગાઝાની અલ-શિફા હોસ્પિટલના ડિરેક્ટર મોહમ્મદ અબુ સેલમિયાને નવેમ્બરમાં ઇઝરાયલે અલ-શિફા હોસ્પિટલમાં દરોડા પાડ્યા ત્યારે ઇઝરાયેલ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. હોસ્પિટલ પર દરોડા પાડવાનું કારણ જણાવતા ઈઝરાયલની સેનાએ કહ્યું કે તેને અંદાજ હતો કે હમાસ હોસ્પિટલનો ઉપયોગ કરી રહ્યું છે અને ઈઝરાયલી સેનાએ કહ્યું કે હમાસ હોસ્પિટલમાં ટનલ બનાવી રહ્યું છે. જોકે, અબુ સેલમિયા અને હોસ્પિટલના અન્ય સ્ટાફ દ્વારા આ આરોપોને નકારી કાઢવામાં આવ્યા હતા.

ઇઝરાયલે દક્ષિણ ગાઝાની નાસેર હોસ્પિટલમાં પણ દરોડા પાડ્યા હતા. નાસેર હોસ્પિટલના ડિરેક્ટર નાહેદ અબુ તૈમાએ જણાવ્યું હતું કે અબુ સેલમિયા સોમવારે ગાઝામાંથી મુક્ત કરાયેલા 55 પેલેસ્ટિનિયન કેદીઓમાંના એક હતા. નાહેદ અબુ તૈમાએ જણાવ્યું હતું કે 55 બંધકોમાંથી માત્ર પાંચને નાસેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બાકીનાને દેર અલ-બાલાહની અલ-અક્સા શહીદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: કોણ છે ભારતીય મૂળના ડોક્ટર જેને અમેરિકામાં મળી મોટી જવાબદારી, ટ્રમ્પની ચૂંટણી સાથે કનેક્શન

ઈઝરાયલે હોસ્પિટલમાં દરોડા પાડ્યા હતા
ઇઝરાયલે ગાઝામાં હોસ્પિટલો પર દરોડા પાડ્યા હતા અને કહ્યું હતું કે હમાસ અને અન્ય આતંકવાદી જૂથો હોસ્પિટલોમાં આશ્રય લે છે અને હમાસ લશ્કરી હેતુઓ માટે હોસ્પિટલોનો ઉપયોગ કરે છે. જ્યારે ઈઝરાયલના આ આરોપો પર પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે ઈઝરાયલના દરોડાને કારણે ઘણી હોસ્પિટલોને બંધ કરવાની અને સેવાઓ ઘટાડવાની ફરજ પડી છે. જેના કારણે નાગરિકો સારવાર મેળવી શક્યા નથી.

રોજેરોજ શારીરિક અને માનસિક શોષણનો ભોગ બને છે
તેમની મુક્તિ પછી અલ-શિફા હોસ્પિટલના ડિરેક્ટર અબુ સેલમિયાએ ઇઝરાયલી સત્તાવાળાઓ પર પેલેસ્ટિનિયન બંધકો સાથે ખરાબ વર્તન કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે બંધકોને દરરોજ શારીરિક અને માનસિક શોષણનો સામનો કરવો પડે છે. જોકે, ઈઝરાયલના અધિકારીઓએ અબુ સેલમિયા દ્વારા લગાવવામાં આવેલા આરોપોને સીધો જ નકારી કાઢ્યો છે.