January 16, 2025

એર સ્ટ્રાઈકમાં નસરાલ્લાહના જમાઈનું પણ મોત, કાસિર પરિવારથી ઈઝરાયલની જૂની દુશ્મની

Israel: લેબનોનમાં ચાલી રહેલા ઈઝરાયલ સૈન્ય ઓપરેશન દરમિયાન IDFને મોટી સફળતા મળી છે. ઈઝરાયલની સેનાએ સીરિયામાં હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના ચીફ હસન નસરાલ્લાહના જમાઈ હસન જાફર કાસિરને મારી નાખ્યો છે. હસન કાસિરના પરિવારને આતંકવાદનો રાજવી પરિવાર માનવામાં આવે છે. તેનો એક ભાઈ અહેમદ કાસિર હિઝબુલ્લાહનો પહેલો ‘શહીદ’ છે, જ્યારે બીજા ભાઈ મોહમ્મદ કાસિર પણ હથિયારોની ડિલિવરી બાબતે સંગઠનમાં મોટી ભૂમિકા ભજવી રહ્યા છે.

કાસીર પરિવારની ઈઝરાયલ સાથે જૂની દુશ્મની
હસન કાસિરના ભાઈ અહમદ કાસિરે 1982માં લેબનોન યુદ્ધ દરમિયાન આત્મઘાતી હુમલો કર્યો હતો. 11 નવેમ્બર, 1982ના રોજ, અહેમદ વિસ્ફોટકોથી ભરેલી કાર સાથે લેબનોનના ટેયરમાં ઈઝરાયલી બેઝમાં પ્રવેશ્યો. લેબનોનના ઈતિહાસમાં આ પ્રથમ આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ હતો.

હકીકતમાં, 1982 માં ઈઝરાયલી સેનાએ લેબનોનમાં ‘ઓપરેશન પીસ ફોર ગેલિલી’ શરૂ કર્યું હતું. તેનો હેતુ લેબનોનમાં હાજર પેલેસ્ટિનિયન લડવૈયાઓને બહાર કાઢવાનો હતો. આ સમય દરમિયાન, ઈઝરાયલની સેના બેરૂત પહોંચી, ત્યારબાદ પેલેસ્ટિનિયન મિલિશિયાના લડવૈયાઓ લેબનોન છોડી ગયા પરંતુ ઈઝરાયલની સેના લેબનોનમાં રહી, જેના કારણે લેબનોનના લોકોમાં રોષ ફેલાયો. એવું માનવામાં આવે છે કે હિઝબુલ્લાહની સ્થાપના લેબનોનમાંથી ઈઝરાયલી સેનાને ભગાડવા માટે કરવામાં આવી હતી. વધતા વિરોધ અને હુમલાઓને કારણે 1985માં ઈઝરાયલી સેનાને લેબનોનથી પરત ફરવું પડ્યું હતું.

અહેમદ કાસિર-હિઝબુલ્લાહનો પ્રથમ ‘શહીદ’
અહમદ કાસિરના આત્મઘાતી હુમલાને ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ રૂહોલ્લાહ ખોમેનીએ ફતવા દ્વારા સુરક્ષિત કર્યું હતું. ત્યારથી અહેમદ કાસિરને હિઝબુલ્લાના પ્રથમ ‘શહીદ’ ગણવામાં આવે છે અને હિઝબુલ્લાહ આ દિવસને ‘શહીદ દિવસ’ તરીકે ઉજવે છે. અહેમદ હિઝબુલ્લાહના સ્થાપક ઇમાદ મુગનિયાના ખૂબ નજીક હતા. જ્યારે હસન કાસીર અને મોહમ્મદ કાસીર નાની ઉંમરથી જ હિઝબુલ્લામાં જોડાયા હતા.

હસનનો ભાઈ મોહમ્મદ કાસિર વૈશ્વિક આતંકવાદી
મોહમ્મદ કાસિર સીરિયાથી ઈરાન સુધી હથિયાર પહોંચાડવામાં મોટી ભૂમિકા ભજવી રહ્યો છે. અમેરિકાએ મોહમ્મદ કાસીર પર 10 મિલિયન ડોલરનું ઈનામ પણ રાખ્યું હતું. 2018માં યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે હસનના ભાઈ મોહમ્મદ કાસિરને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો.

આ પણ વાંચો: તાઈવાનમાં તબાહીથી બચવા સરકાર એલર્ટ મોડમાં, ભારે વરસાદ બાદ હવે વાવાઝોડાની સંભાવના

ઈઝરાયલના હવાઈ હુમલામાં હસન કાસીર માર્યો ગયો
એક ખાનગી ન્યૂઝ અનુસાર, હસન જાફર કાસિર બુધવારે સીરિયાની રાજધાની દમાસ્કસ નજીક આવેલા મેજામાં એક હવાઈ હુમલામાં માર્યો ગયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે ઈઝરાયલની સેનાએ એક રહેણાંક મકાનના એક એપાર્ટમેન્ટને નિશાન બનાવીને હુમલો કર્યો હતો, જેમાં હસન સહિત બે લોકોના મોત થયા હતા. હસન કાસિરની હત્યાને હિઝબુલ્લાહ માટે વધુ એક ફટકો માનવામાં આવી રહ્યો છે, તે હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહનો જમાઈ અને કાસિર પરિવારનો સભ્ય હતો.

લેબનોનમાં ઈઝરાયલને મોટો ફટકો
ઈઝરાયલી સેના લેબનોનમાં ગ્રાઉન્ડ ઓપરેશન કરી રહી છે, આ દરમિયાન બુધવારે હિઝબુલ્લાહના હુમલામાં 8 ઈઝરાયલ સૈનિકો માર્યા ગયા હતા. હિઝબુલ્લાહે એવો પણ દાવો કર્યો હતો કે તેઓ દક્ષિણ લેબેનોનના મરુન અલ-રાસ ગામ તરફ આગળ વધતા ત્રણ ઈઝરાયલી મેરકાવા ટેન્કનો નાશ કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે હિઝબુલ્લાહના આ હુમલાના થોડા કલાકો બાદ ઈઝરાયલી સેનાએ મેજામાં હુમલો કરીને હસન કાસિરને ઠાર માર્યો હતો.