January 16, 2025

ઈઝરાયલે ઠાર કર્યો હમાસનો વધુ એક કમાન્ડર, IDF પર ડ્રોન હુમલાનો હતો માસ્ટર માઈન્ડ

Israel Hamas War: મિડલ ઈસ્ટમાં સતત યુદ્ધની વચ્ચે સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. ત્યારે હવે IDFએ દાવો કર્યો છે કે તેઓએ હમાસના ઉત્તરી ગાઝા યુએવી કમાન્ડર મહમૂદ અલ-મભોહને મારી નાખ્યો છે. તેણે ઈઝરાયલી સુરક્ષા દળો અને લોકો પર ડ્રોન હુમલાનો નિર્દેશ આપ્યો હતો. IDF અનુસાર તેઓએ જબલિયાહ અને રફાહમાં ડ્રોન હુમલા કર્યા. જેમાં 50 થી વધુ હમાસ આતંકવાદીઓ માર્યા ગયા.

શરણાર્થી શિબિરો પર બોમ્બ ધડાકા
પેલેસ્ટિનિયન આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે ગાઝાના આઠ ઐતિહાસિક શરણાર્થી શિબિરોમાંથી સૌથી મોટા જબાલિયામાં અલ-ફલ્લુજાહ નજીક ઈઝરાયલી ગોળીબારમાં ઓછામાં ઓછા 17 લોકો માર્યા ગયા હતા. આ સિવાય દક્ષિણ ગાઝામાં પૂર્વ ખાન યુનિસમાં બાની સુહૈલા કેમ્પમાં અન્ય 10 લોકો માર્યા ગયા હતા. એમ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.

ઈઝરાયલ હવે જબલિયાને નિશાન બનાવી રહ્યું છે
આ પહેલા મંગળવારે ઈઝરાયલના હવાઈ હુમલામાં ગાઝા શહેરના સાબ્રામાં ત્રણ મકાનો ધ્વસ્ત થઈ ગયા હતા. અહેવાલ મુજબ સ્થાનિક સિવિલ ઇમરજન્સી સર્વિસે જણાવ્યું હતું કે તેઓએ ઘટનાસ્થળેથી બે મૃતદેહો મેળવ્યા છે. જ્યારે અન્ય 12 લોકોની શોધ ચાલુ છે. જેઓ તે સમયે ઘરોમાં હાજર હોવાનું માનવામાં આવે છે.ઈઝરાયલની સેના છેલ્લા 10 દિવસથી જબાલિયાને નિશાન બનાવી રહી છે અને ઉત્તરીય વિસ્તારમાં ફરી રહી છે.

આ પણ વાંચો: નખ ખેંચ્યા, કરંટ આપ્યો, 35 ગોળી મારતા પહેલાં કર્યો એટલો ટોર્ચર કે… રૂંવાડા ઉભા કરી દે; વાંચો પોસ્ટમોર્ટમ રિપોર્ટ

મિડલ ઇસ્ટ ઈઝરાયલ હાલમાં ઘણા મોરચે લડી રહ્યું છે. ઈઝરાયલે પૂર્વી લેબનોનમાં હવાઈ હુમલાઓ તેજ કર્યા છે. મંગળવારે (15 ઓક્ટોબર 2024) બાલબેક શહેરની નજીકના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવીને બેકા ખીણમાં અનેક હવાઈ હુમલાઓ થયા. ઈઝરાયલી સૈન્યએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઉપલા ગેલિલમાં સાયરન વગાડ્યા પછી લેબનોનથી ઈઝરાયલમાં પ્રવેશેલા બે ડ્રોનની ઓળખ કરવામાં આવી હતી. જોકે જાનહાનિના કોઈ અહેવાલ નથી.