ઇઝરાયલનો ઇરાનના પરમાણુ બેઝ પર હુમલો, ખામેનેઈ બદલો લેશે?

નવી દિલ્હીઃ ઇઝરાયલી સેનાએ શનિવારે ઈરાનમાં ઘૂસી જઈને મોટા પાયે હુમલો કરવાનો દાવો કર્યો હતો. આ અંગે બંને પક્ષોની પોત-પોતાની દલીલો છે. આ દરમિયાન સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસને ટાંકીને સમાચાર સામે આવી રહ્યા છે કે, ઇઝરાયલે ઈરાનના પરમાણુ મથકને પણ નિશાન બનાવ્યું છે. તેહરાનના દક્ષિણપૂર્વમાં ગુપ્ત લશ્કરી થાણા પરની સુવિધાઓને નુકસાન થયું હતું. રિપોર્ટમાં એક નિષ્ણાતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, એક સમય હતો જ્યારે આ બેઝ ઈરાનના પરમાણુ હથિયાર કાર્યક્રમ સાથે જોડાયેલો હતો. ઇઝરાયલે અમેરિકાને વચન આપ્યું હતું કે, તે ઈરાન પાસેથી ચોક્કસ બદલો લેશે પરંતુ તેના પરમાણુ સ્થળો પર હુમલો નહીં કરે.
સેટેલાઇટ ઇમેજ કરતાં પણ મોટો દાવો
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન સાથેની બેઠકમાં બેન્જામિન નેતન્યાહૂએ ખાતરી આપી હતી કે, ઈરાનમાં ઓઈલ પ્લાન્ટ અને ન્યુક્લિયર પ્લાન્ટ્સને નિશાન બનાવવામાં આવશે નહીં. અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, ઈરાન આ સ્થળ પર અગાઉ બેલેસ્ટિક મિસાઈલ કાર્યક્રમ પણ ચલાવી ચૂક્યું છે. સેટેલાઈટ ઈમેજીસ દ્વારા અહીં થઈ રહેલા હુમલાની પુષ્ટિ થઈ છે. ઈરાન હંમેશા કહેતું આવ્યું છે કે, તેનો પરમાણુ કાર્યક્રમ શાંતિપૂર્ણ છે. જો કે, IAEA સહિત પશ્ચિમી દેશો માને છે કે તેહરાન પરમાણુ કાર્યક્રમમાં સક્રિય રીતે વ્યસ્ત છે. ઇઝરાયલના હુમલામાં ઈરાની સેનાના ચાર જવાનો માર્યા ગયા હોવાના અહેવાલ છે.
ઈરાન લેશે બદલો
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈએ એક દિવસ પહેલા કહ્યું હતું કે, ઇઝરાયલના હુમલાને ન તો અતિશયોક્તિ કરવી જોઈએ અને ન તો ઓછી આંકવી જોઈએ. તેણે ઇઝરાયલ પર જવાબી હુમલાની વાત કરી હતી. બીજી તરફ ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ હુમલાને સફળ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, તેનાથી ઈરાનની સેનાને ભારે નુકસાન થયું છે.