હિમ્મત હોય તો ઇઝરાયેલને હાથ લગાવે, ઇરાને આપી ધમકી તો અમેરિકા આવ્યું વ્હારે
Israel-Iran tensions: સીરિયા અને ઈરાને ઈઝરાયેલ પર દમાસ્કસમાં ઈરાની રાજદ્વારી ઈમારત પર મિસાઈલ હુમલાનો આરોપ લગાવ્યો છે. જે બાદ બંને દેશો વચ્ચે યુદ્ધની શક્યતા વધી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલા બાદ ઈરાને બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી હતી. જે બાદ અમેરિકાએ આ મામલામાં પ્રવેશ કર્યો. પેન્ટાગોને ગુરુવારે કહ્યું કે ટોચના અમેરિકન કમાન્ડરો અને દેશના સૈન્ય અધિકારીઓ ઈઝરાયેલ પહોંચી ગયા છે. બીજી તરફ અમેરિકન રાષ્ટ્રપતિ જો બિડેને સ્પષ્ટ કહ્યું છે કે અમે ઈઝરાયેલની સાથે છીએ. અને અત્યારે ઇઝરાયેલની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે.
ઇઝરાયેલ યુદ્ધ માટે તૈયાર છે
ઈઝરાયેલી સેનાએ કહ્યું કે તે આવનારા હુમલા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. IDFના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “ઈઝરાયેલ ચારે બાજુથી તૈયાર છે અને કોઈપણ પરિસ્થિતિ માટે સતર્ક છે. અમે સતત પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ.” ઈઝરાયલ પહોંચેલા યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ)ના વડા જનરલ માઈકલ કુરિલાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, આઈડીએફ પાસે જે શક્તિ છે તેનાથી અમે કોઈપણ ખતરાનો સામનો કરી શકીએ છીએ.
અમેરિકા યુદ્ધ નથી ઈચ્છતું
એક તરફ ઈરાન ઈઝરાયેલ પર મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે. બીજી તરફ અમેરિકા સતત આગ્રહ કરી રહ્યું છે કે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે કોઈ તણાવ ન હોવો જોઈએ. જેનાથી કોઈને ફાયદો થશે નહીં. અમેરિકી રાષ્ટ્રપતિ બિડેન ઉપરાંત વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને પણ ખુલ્લેઆમ કહ્યું છે કે જો ઈરાન ઈઝરાયેલ પર હુમલો કરશે તો અમેરિકા જેરુસલેમને સમર્થન આપશે. યુએસ આર્મીના સેન્ટ્રલ કમાન્ડના વડા જનરલ માઈકલ કુરિલા ઈઝરાયેલ પહોંચી ચૂક્યા છે.
ઈરાન શા માટે ઇઝરાયેલ પર હુમલો કરવા માંગે છે?
1 એપ્રિલે સીરિયાની રાજધાની દમાસ્કસમાં દૂતાવાસ સંકુલ પર હવાઈ હુમલો થયો હતો. આ હુમલામાં ઈરાનના એક ટોચના જનરલ અને અન્ય છ ઈરાની સૈન્ય અધિકારીઓ માર્યા ગયા હતા. જે બાદ ઈરાને આ હુમલાનો વિરોધ શરૂ કર્યો હતો. મામલો ત્યાં સુધી પહોંચ્યો કે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીએ શપથ લીધા કે ઈઝરાયેલે આ હુમલો કર્યો હતો અને અમે આ હુમલાનો જવાબ આપીશું. પરંતુ સમય અને દિવસ જણાવવામાં આવ્યો ન હતો. ખામેનીએ કહ્યું હતું કે ઈઝરાયેલને સજા મળવી જોઈએ, કારણ કે આ હુમલો સીરિયા પર નહીં પરંતુ ઈરાનની ધરતી પરનો હુમલો છે. બીજી તરફ ઈઝરાયેલે આ હુમલાની જવાબદારી લીધી નથી.