September 27, 2024

ઇઝરાયલ લેબનોનમાં ગ્રાઉન્ડ એટેક કરવાની તૈયારી, અમેરિકા બોલ્યું – તબાહીનો ખતરો

નવી દિલ્હીઃ લેબનોનમાં ઈઝરાયલના હવાઈ હુમલા અને 550થી વધુ લોકોના મોત બાદ પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમા પર છે અને સંઘર્ષ વધવાનો ભય છે. હવે ઈઝરાયલની નવી યોજના આ સંઘર્ષને સંપૂર્ણ સ્તરના યુદ્ધમાં ફેરવી શકે છે. હકીકતમાં ઇઝરાયલ લેબનોનમાં ગ્રાઉન્ડ એટેકની તૈયારી કરી રહ્યું છે અને આ માટે તે સેનાને લેબનોનમાં દાખલ કરવાની યોજના બનાવી રહ્યું છે. અમેરિકાએ આ અંગે ચેતવણી આપી છે કે તે સમગ્ર પશ્ચિમ એશિયામાં તબાહી મચાવી શકે છે.

ઇઝરાયલના આર્મી ચીફ લેફ્ટનન્ટ જનરલ હરજી હલેવીએ સૈનિકોને લેબનોનમાં ગ્રાઉન્ડ એટેક માટે તૈયાર રહેવાના નિર્દેશ આપ્યા છે. અગાઉ ઇઝરાયલની લેબનોનમાં ગ્રાઉન્ડ એટેકની કોઈ યોજના નહોતી, પરંતુ હવે જ્યારે પરિસ્થિતિ વિકસિત થઈ છે અને હિઝબુલ્લાએ ઈઝરાયલને ધમકી આપી છે. ત્યારે ગ્રાઉન્ડ એટેકની શક્યતા વધી ગઈ છે. અમેરિકાએ યુએન સુરક્ષા પરિષદમાં કહ્યું છે કે, તે પશ્ચિમ એશિયામાં યુદ્ધવિરામની દલાલી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને ઇઝરાયલ અને લેબનોન વચ્ચે તણાવ ઘટાડવાના પ્રયાસો કરી રહ્યું છે.

અમેરિકાની ચેતવણી – પશ્ચિમ એશિયામાં તબાહી મચી શકે છે
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને ઈઝરાયલ અને લેબનોનને શાંતિ જાળવવાની અપીલ કરી છે અને ચેતવણી આપી છે કે, જો યુદ્ધ થશે તો તે સમગ્ર પશ્ચિમ એશિયામાં તબાહી મચાવી શકે છે. ફ્રાન્સના વિદેશ મંત્રીએ એમ પણ કહ્યું છે કે, તેમનો દેશ ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે 21 દિવસનો યુદ્ધવિરામ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જેથી તણાવ ઓછો થઈ શકે. તેમણે કહ્યું કે, યુદ્ધવિરામ પ્રસ્તાવની માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ માટે ફ્રાંસના વિદેશ મંત્રી પણ બેરૂત જવાના છે.

શાંતિના પ્રયાસો પણ ઝડપી બન્યાં
નોંધનીય છે કે, ઇઝરાયલના યુએન એમ્બેસેડર ડેની ડેનને પણ કહ્યું છે કે, તેમનો દેશ સંઘર્ષને રોકવા માટે તૈયાર છે. ત્યારે લેબનોનના વડાપ્રધાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને પણ અપીલ કરી છે કે તે સંઘર્ષને રોકવા માટે તાત્કાલિક પગલાં લે અને તે સુનિશ્ચિત કરે કે ઇઝરાયલ તેના કબજા હેઠળના તમામ વિસ્તારો ખાલી કરશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇ઼ડને એક નિવેદનમાં કહ્યું છે કે, ‘જો ઇઝરાયલ અને લેબનોન વચ્ચે યુદ્ધ થાય છે તો સમગ્ર પશ્ચિમ એશિયામાં તબાહીનો ખતરો છે. જો ઇઝરાયલ અને લેબનોન વચ્ચે યુદ્ધવિરામ થશે તો તે પશ્ચિમ કાંઠા અને ગાઝામાં પણ યુદ્ધવિરામ તરફ દોરી જશે.’

અમેરિકા અને ફ્રાંસની સાથે તેમના ઘણા સાથી દેશો પણ ઈઝરાયલ અને લેબનોન વચ્ચે શાંતિ સ્થાપવાની હિમાયત કરી રહ્યા છે. જેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુરોપિયન યુનિયન, જર્મની, ઇટાલી, જાપાન, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને કતારનો સમાવેશ થાય છે. ઇઝરાયલ પર હમાસના હુમલા બાદથી ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે તણાવ છે. બંને પક્ષો સમયાંતરે એકબીજા પર હુમલા કરતા રહે છે. ગયા મંગળવારે ઇઝરાયલે લેબનોનમાં ઘણા લક્ષ્યો પર હવાઈ હુમલા કર્યા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકોના મોત બાદ તણાવ ચરમ પર છે.