January 15, 2025

7 દિવસમાં 800 હવાઈ હુમલા, સીરિયા પર ઈઝરાયલનો દિવસ-રાત આતંક…!

Israel: મધ્ય પૂર્વના રાષ્ટ્ર સીરિયામાં બશર અલ-અસદને હટાવ્યા બાદ બશર અલ-અસદ તેમના પરિવાર સાથે રશિયા ભાગી ગયા છે. સીરિયા પર હયાત તહરિર અલ-શામ (HTS)નો કબજો છે. HTSએ માર્ચ 2025 સુધી સીરિયાની કમાન તેના અધિકારી મોહમ્મદ બશીરને સોંપી દીધી છે. તેઓ સીરિયાના કાર્યવાહક વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. વિદ્રોહી જૂથનું કહેવું છે કે તે હાલમાં સીરિયાને પાટા પર લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ દરમિયાન ઈઝરાયલે સીરિયા પર હુમલા તેજ કર્યા છે. 8 ડિસેમ્બરે અસદની સત્તાનો અંત આવ્યો ત્યારથી ઈઝરાયલ દેશના જુદા જુદા ભાગોમાં દિવસ-રાત આતંક મચાવી રહ્યું છે. છેલ્લા 7 દિવસમાં ઈઝરાયલે સીરિયામાં 800થી વધુ હવાઈ હુમલા કર્યા છે. છેલ્લા 12 કલાકમાં 61થી વધુ હુમલા થયા છે. તેમાં મોટાભાગે લશ્કરી થાણાઓનો નાશ કરવાનો સમાવેશ થાય છે. ઈઝરાયેલના હુમલાનો જવાબ આપતા HTSના નેતાએ કહ્યું છે કે તેઓ વધુ યુદ્ધ ઈચ્છતા નથી. તેણે ઈઝરાયલને ચેતવણી પણ આપી હતી.

ઈઝરાયલની હવાઈ દળોએ સીરિયામાં લશ્કરી અને દારૂગોળાના સ્થળોને નિશાન બનાવીને ડઝનબંધ હુમલા કર્યા છે. સીરિયાના નેતાએ આ હુમલા સામે ચેતવણી આપી છે, પરંતુ એમ પણ કહ્યું છે કે તેમનો દેશ નવો સંઘર્ષ ઇચ્છતો નથી. મળતી માહિતી અનુસાર “છેલ્લા 12 કલાકમાં 60 થી વધુ ઈઝરાયલી હવાઈ હુમલા કરવામાં આવ્યા છે.” તેમણે વધુમાં કહ્યું કે ગયા અઠવાડિયે સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદની હકાલપટ્ટી બાદ ઈઝરાયલે સીરિયામાં લગભગ 800 હવાઈ હુમલાઓ કર્યા છે.

આ પણ વાંચો: યુપી સહિત આ 7 રાજ્યોમાં કડકડતી ઠંડી, અહીં ભારે વરસાદથી વધશે મુશ્કેલી

રિપોર્ટ અનુસાર, “ઈઝરાયલી સેનાએ સીરિયાના ગોલાન હાઇટ્સ પર પોતાનો કબજો વધારી દીધો છે, જેના કારણે હવે ઇઝરાયેલની ટેન્ક સીરિયાના દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત નગરો અને ગામડાઓમાં તૈનાત છે.” ઈઝરાયલી સૈનિકોએ ગયા અઠવાડિયે અંતમાં ગોલાન હાઇટ્સ પર ઈઝરાયલી અને સીરિયન દળોને અલગ કરતા યુએન પેટ્રોલ્ડ બફર ઝોનમાં પ્રવેશ કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે આ પગલું 1974ના યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન છે.