November 22, 2024

ઇઝરાયલનો લેબનોન-ગાઝા અને સિરિયા પર હુમલો, બે હિઝબુલ કમાન્ડર સહિત 46નાં મોત

અમદાવાદઃ ઇઝરાયલે ફરી એકવાર લેબનોન પર બોમ્બમારો કર્યો છે. હિઝબોલ્લાહ સામે તેનું આક્રમણ ચાલુ છે. ત્યારે સીરિયા અને ગાઝામાં પણ ઇઝરાયલ સેનાના હુમલા ચાલુ છે. બે હિઝબુલ કમાન્ડર સહિત કુલ 46 નાગરિકોનાં મોત થયા છે.

આ દરમિયાન ઈરાન દ્વારા 1 ઓક્ટોબરે છોડવામાં આવેલી મિસાઈલો સામે જવાબી કાર્યવાહી કરવા અંગે ચર્ચાઓ ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે, ઈરાની હુમલાના જવાબમાં ઇઝરાયલ દ્વારા કોઈ મોટી કાર્યવાહી કરવામાં આવી શકે છે. ઇઝરાયલની કેબિનેટની બેઠકમાં ઈરાન વિરુદ્ધ જવાબી કાર્યવાહીનો મામલો વિચારવામાં આવશે. આ દરમિયાન ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન વચ્ચે ફોન પર વાતચીત પણ થઈ છે. બંને નેતાઓ વચ્ચે આ વાતચીત લગભગ 50 દિવસ પછી થઈ છે અને કહેવામાં આવી રહ્યું છે કે, તેમાં ઈરાન પર સંભવિત હુમલા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. વ્હાઇટ હાઉસે આ વાતચીતને સકારાત્મક ગણાવી હતી.

ઈઝરાયલે અહેમદ મુસ્તફા અને મોહમ્મદ અલી હમદાન માર્યા હોવાનું કહેવાય છે. હમદાન હિઝબુલ્લાહની એન્ટી ટેન્કનો કમાન્ડર હતો. ઇઝરાયલે લેબનોનમાં તેના મિસાઇલ હુમલામાં દહેહ, બેરૂતમાં હિઝબુલ્લાહના અનેક હથિયારોના ડેપોને પણ નષ્ટ કરી દીધા છે. આ દરમિયાન નેતન્યાહુએ લેબેનોનને ચેતવણી આપી છે કે, હિઝબુલ્લાહને રોકે નહીંતર ગાઝા જેવી સ્થિતિનો સામનો કરવો પડશે.

ગાઝાની શાળા પર હુમલો
લેબનોન અને ઈરાન સાથે ઈઝરાયલે પેલેસ્ટાઈનમાં આતંકવાદીઓને નિશાન બનાવ્યા છે. આ ક્રમમાં તેણે દેર અલ-બલાહમાં એક આશ્રય ગૃહમાં હમાસ દ્વારા સંચાલિત કામચલાઉ પોલીસને નિશાન બનાવ્યા હતા. વિસ્થાપિત લોકોને આશ્રય આપતી શાળા પર ઈઝરાયલના હુમલામાં 28 લોકોના મોત થયા હતા. ત્યારે લેબનોનમાં હુમલામાં 18 લોકો માર્યા ગયા છે અને 98 લોકો ઘાયલ થયા છે.

UNIFILએ નારાજગી વ્યક્ત કરી હતી
સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા દળ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં UNIFILએ જણાવ્યું હતું કે, ઇઝરાયલી ટેન્કે નાકૌરામાં સૈન્ય દળના વૉચટાવર પર ગોળીબાર કર્યો હતો, જેમાં બે સૈનિકો ઘાયલ થયા હતા. UNIFILએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, શાંતિ રક્ષક પર કોઈપણ ઈરાદાપૂર્વકનો હુમલો આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું ગંભીર ઉલ્લંઘન ગણવામાં આવશે.

ચેતવણી – લેબનીઝ ઘરે પાછા ન ફરે
બીજી તરફ, દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાહના સ્થાનો પર હુમલા કરવાનું ચાલુ રાખતા ઇઝરાયલી સેનાએ લેબનીઝ નાગરિકોને ચેતવણી આપી હતી કે, તેઓ દક્ષિણ વિસ્તારમાં તેમના ઘરે પાછા ન ફરે. ઇઝરાયલી હુમલામાં યુએન પીસકીપર્સ દ્વારા ઉપયોગમાં લેવાતા બે બેઝને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.