January 16, 2025

ઈઝરાયલે બેરૂતમાં કર્યો ફરી હવાઈ હુમલો, 12થી વધુ લોકોના મોત 57 ઘાયલ

Israel: બેરૂતમાં અને તેની આસપાસ ઈઝરાયલના હવાઈ હુમલામાં 12 થી વધુ લોકો માર્યા ગયા હતા. જ્યારે દેશની સૌથી મોટી જાહેર હોસ્પિટલને વ્યાપક નુકસાન થયું હતું. લેબનાના સ્વાસ્થ્ય અધિકારીઓએ આ માહિતી આપી. આ અગાઉ અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન આ વિસ્તારમાં પહોંચે તેના થોડા કલાકો પહેલા હિઝબુલ્લાહે મધ્ય ઈઝરાયલમાં રોકેટ છોડ્યા હતા. લેબનોનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે સોમવારે મોડી રાત્રે થયેલા હવાઈ હુમલામાં અન્ય 57 લોકો ઘાયલ થયા હતા. આ હુમલામાં દક્ષિણ બેરૂતની બહાર સ્થિત રફીક હરીરી યુનિવર્સિટી હોસ્પિટલની સામેની અનેક ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ હતી.

હિઝબુલ્લાહના લક્ષ્યો પર હુમલો
ઈઝરાયલી સેનાએ કહ્યું કે તેણે હિઝબુલ્લાહના સ્થાનો પર હુમલો કર્યો હતો અને હોસ્પિટલને નિશાન બનાવ્યું ન હતું. સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે બ્લિંકને ગાઝામાં યુદ્ધનો અંત લાવવા હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા લોકોની મુક્તિ અને પેલેસ્ટિનિયન નાગરિકોની વેદના દૂર કરવા અંગે ચર્ચા કરી હતી.

હમાસને ખતમ કરવાનો સંકલ્પ
ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસનો નાશ કરવાનો અને સંગઠન દ્વારા બંધક બનાવેલા ડઝનેક લોકોને મુક્ત કરવાનું વચન આપ્યું છે. હમાસનું કહેવું છે કે તે કાયમી યુદ્ધવિરામ, ગાઝામાંથી ઈઝરાયલની સંપૂર્ણ પાછી પાની અને પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાના બદલામાં જ બંધકોને મુક્ત કરશે.

આ પણ વાંચો: બાબા સિદ્દીકી હત્યાકાંડ પહેલા શૂટર્સ જંગલમાં કેમ ગયા, પોલીસે આપ્યું ચોંકાવનારું કારણ

હિઝબુલ્લાહે અનેક રોકેટ છોડ્યા
હિઝબોલ્લાહે મંગળવારે મધ્ય ઈઝરાયલમાં ઘણા રોકેટ છોડ્યા, દેશના સૌથી ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં હવાઈ હુમલાના સાયરન વગાડ્યા. ઈઝરાયલની સેનાએ કહ્યું કે લેબનોનથી ઈઝરાયલમાં પાંચ રોકેટ છોડવામાં આવ્યા હતા અને તેમાંથી મોટાભાગનાને એન્ટી મિસાઈલ સિસ્ટમ દ્વારા હવામાં જ નષ્ટ કરી દેવામાં આવ્યા હતા. એક રોકેટ ખુલ્લા વિસ્તારમાં પડ્યું.

ઈઝરાયલ પર હમાસનો હુમલો
ગયા વર્ષે 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલ પર હુમલો કર્યો હતો. જેમાં લગભગ 1,200 લોકો માર્યા ગયા હતા અને 250 લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગાઝામાં ઈઝરાયલના વળતા હુમલામાં 42,000 થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. ગાઝાના મોટાભાગના વિસ્તારો યુદ્ધથી તબાહ થઈ ગયા છે અને તેની 2.3 મિલિયનની વસ્તીમાંથી લગભગ 90 ટકા લોકો વિસ્થાપિત થયા છે.