May 20, 2024

પાકિસ્તાન અને ઈરાન વચ્ચેના મીઠા સંબંધોએ કેમ ખટાશ પકડી લીધી?

પાકિસ્તાન: “ચારો ઔર સે ફસ ગયે”…વિશ્વની સ્થિતિ ખુબ ખરાબ જોવા મળી રહી છે. ભારતના પાડોશી દેશોની સ્થિતિ પણ વિકટ બની ગઇ છે. વિશ્વમાંથી કોરોના જેવી મહામારી દૂર થઈ ત્યાં યુદ્ધનું રણશીંગુ ફૂંકી દેવામાં આવ્યું હોય તેમ દરેક દેશ યુદ્ધના મેદાનમાં જોવા મળી રહ્યો છે. ત્યારે બે મુસ્લિમ દેશો ઈરાન અને પાકિસ્તાન વચ્ચે કેવી રીતે મામલો બોમ્બિંગ સુધી પહોંચ્યો તે પણ તમને સવાલ થતો હશે!

પાકિસ્તાન અને ઈરાન બંને વચ્ચે ખૂબ સારા સંબંધો હતા. 1947માં પાકિસ્તાનની આઝાદી પછી પાકિસ્તાન અને ઈરાન વચ્ચેના સંબંધો વધુ સારા બન્યા હતા. પરંતુ આ તમામ વાતો વચ્ચે સવાલ એ ચોક્કસથી થાય કે શુ થયું એવું કે પાકિસ્તાન અને ઈરાન વચ્ચે મીઠા સંબંધો માંથી ખટાશ જેવા સંબંધો થઈ ગયા? ઈરાનના સરકારી મીડિયાએ આપેલી માહિતી અનુસાર, ઈરાને મંગળવારે તારીખ 16-1-2024 ના પાકિસ્તાનમાં એક જેહાદી જૂથ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. જે બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ હુમલાની નિંદા પણ કરી છે. જેમાં તેમણે કહ્યું કે ઈરાને ‘કોઈપણ કારણ વગર’ પાકિસ્તાની એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું છે. ત્યારે ઈસ્લામાબાદે પણ આ હુમલાની નિંદા કરી છે. નિંદા કરતા કહ્યું કે બે બાળકો માર્યા ગયા અને ત્રણ ઘાયલ થયા છે.

વૈશ્વિક રાજકારણમાં ચિંતા
અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધો રશિયા સાથે ઐતિહાસિક તણાવની સ્થિતિમાં પહોંચ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. તો બીજી બાજુ પાકિસ્તાન આર્થિક સમસ્યાઓથી ઝઝૂમી રહ્યું છે. આ વચ્ચે રાજકીય માહોલમાં પણ પાકિસ્તાનની સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે. એમ કહી શકાય કે હાલના રાજકીય માહોલમાં પાકિસ્તાનની સ્થિતિ એવી છે કે એક વ્યક્તિ બે બોટ પર પગ રાખીને વિરુદ્ધ દિશામાં મુસાફરી કરી રહી છે. તેની અસર પાકિસ્તાનના આંતરિક વિસ્તારમાં સરકાર અને લોકો વચ્ચે વધી રહેલા અંતર અને તણાવના સ્વરૂપમાં પણ જોવા મળી શકે છે.

આ પણ વાચો: 24 કલાકમાં અમેરિકન જહાજ પર બેલેસ્ટિક મિસાઈલથી બે હુમલા

સૌથી વધારે ફાયદો પાકિસ્તાનને
સાઉદી અરેબિયા અને પાકિસ્તાન હંમેશા ગાઢ સંબંધો સાથે જોવા મળ્યું છે. જ્યારે ઈરાન આ ક્ષેત્રમાં સાઉદી અરેબિયાને દુશ્મન તરીકે માને છે. ત્રણેય દેશો વચ્ચે સૌથી વધારે ફાયદો પાકિસ્તાનને થતો હતો. બાદમાં અફઘાનિસ્તાન તાલિબાન સરકાર સાથે ઈરાનના મતભેદો સામે આવ્યા હતા. જેના કારણે આતંકવાદીઓની સરહદ પારથી હિલચાલ, શસ્ત્રોની દાણચોરી અને ગેરકાયદેસર વસાહતીઓને પ્રવેશને કારણે ઈરાનને સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો. તો પાકિસ્તાન હાલ એવી સ્થિતિમાં નથી કે તે પોતાનો નવો કોઈ દુશ્મન બનાવે.

પાકિસ્તાનની અટવાયું
પાકિસ્તાન હવે બન્ને દેશો વચ્ચે અટવાયું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. એક બાજૂ તાલિબાન છે જેને છંછેડી શકાય તેમ નથી, તો બીજી બાજુ ઈરાન છે તો તેને છોડી શકાય તેવી પાકિસ્તાનની સ્થિતિ નથી. જોકે અત્યાર સુધીની વાત કરવામાં આવે તો પાકિસ્તાન અને ઈરાન વચ્ચે આ મુદ્દાઓને લઈને અનેક વાર ચર્ચા કરવામાં આવી છે. પરંતુ આજદિન સુધી આ ચર્ચાનું કોઈ પરિણામ આવ્યું નથી. ઈરાનનો આરોપ છે કે આ ક્ષેત્રમાં ઘણા ઉગ્રવાદી અને અલગતાવાદી જૂથોની ગતિવિધિ સતત વધી રહી છે. જેના કારણે ઈરાનમાં આતંકવાદી ઘટનાઓ બની રહી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

અફઘાનિસ્તાન પર ફરીથી કબજો
છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાની સેના અને સરકારે તાલિબાનને મદદ કરી છે. અફઘાનિસ્તાન પર ફરીથી કબજો કરવામાં પાકિસ્તાને તાલિબાનોને મદદ કરી હતી. એટલું જ નહીં, પાકિસ્તાની સેનાએ પણ કબજો જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી. બીજી તરફ અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારની હાજરીને કારણે ઈરાનની આંતરિક સમસ્યાઓ વધી હતી. ડ્રગ્સ અને હથિયારોની દાણચોરીથી લઈને સરહદમાં ગેરકાયદેસર વસાહતીઓ પ્રવેશ, ઈરાનમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો એ કેટલીક સમસ્યાઓ છે જેનો ઈરાન તાલિબાનના કારણે સામનો કરી રહ્યું છે.

આ પણ વાચો: ઈરાને ઈરાકમાં ઈઝરાયેલના ‘મોસાદ હેડક્વાર્ટર’ પર મિસાઈલ છોડી, 4 લોકોના મોત