October 4, 2024

ઇરાન-ઇઝરાયલ યુદ્ધ વચ્ચે તાનાશાહ કિમ જોંગ ઉનની ધમકી – ન્યૂક્લિયર એટેક કરીશ…

નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયામાં યુદ્ધની આગ સતત ભભૂકી રહી છે. ઈરાન-લેબનોન અને ઇઝરાયલ યુદ્ધની ગરમી વધારી રહ્યા છે. સાથે જ પૂર્વ એશિયામાં પણ અશાંતિ વધી છે. ઇઝરાયલ-હિઝબુલ્લાહ યુદ્ધ વચ્ચે ઉત્તર કોરિયાએ એવી ધમકી આપી છે કે, 10 હજાર કિલોમીટર દૂર અમેરિકા પણ પરેશાન થઈ ગયું છે. સરમુખત્યાર કિમ જોંગ ઉને અમેરિકા અને દક્ષિણ કોરિયાને પરમાણુ હુમલાની સીધી ધમકી આપી છે. બીજી તરફ ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચેની દુશ્મનાવટને કારણે ગમે ત્યારે યુદ્ધ ફાટી શકે છે.

ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને ધમકી આપી છે કે, જો ઉત્તર કોરિયાને ઉશ્કેરવામાં આવશે અથવા હુમલો કરવામાં આવશે તો તે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરશે અને દક્ષિણ કોરિયાને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દેશે. હકીકતમાં દક્ષિણ કોરિયાના નેતાએ ચેતવણી આપી હતી કે, જો કિમ જોંગ ઉને પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો તો તેમના શાસનને ખતમ કરી દેવામાં આવશે અને તેના જવાબમાં કિમ જોંગ ઉને દક્ષિણ કોરિયાને આ ચેતવણી આપી છે.

સરમુખત્યારે ફરીથી વિવાદ સર્જ્યો છે કે, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને કહ્યું છે કે, જો તેમના દેશ પર દક્ષિણ કોરિયા અથવા તેના સહયોગી અમેરિકા દ્વારા હુમલો કરવામાં આવશે તો તેમની સેના કોઈપણ સંકોચ વિના પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે. હકીકતમાં બંને દેશોના નેતાઓ વચ્ચે આ પ્રકારની રેટરિક નવી નથી, પરંતુ તેમની તાજેતરની ટિપ્પણી ઉત્તર કોરિયા દ્વારા તેના પરમાણુ કેન્દ્રના તાજેતરના ખુલાસા અને સતત મિસાઇલ પરીક્ષણોને કારણે વધેલા તણાવ વચ્ચે આવી છે.

અમેરિકા પણ નિશાના પર
ઉત્તર કોરિયાની સત્તાવાર સમાચાર સમિતિ, કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (KCNA) અનુસાર, તાનાશાહ કિમ જોંગ ઉને બુધવારે સ્પેશિયલ ઓપરેશન ફોર્સના એક યુનિટની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે, જો દક્ષિણ કોરિયા તેના સાર્વભૌમત્વ પર અતિક્રમણ કરવાનું શરૂ કરે છે તો કોઈપણ દેશ સામે સશસ્ત્ર દળોનો ઉપયોગ કરવાનો કોઈપણ પ્રયાસ કરવામાં આવે તો તેમના દળો કોઈપણ ખચકાટ વિના પરમાણુ શસ્ત્રો સહિત તેમના નિકાલ પર તમામ આક્રમક શસ્ત્રોનો ઉપયોગ કરશે. જો આવી સ્થિતિ સર્જાશે તો દક્ષિણ કોરિયાનું અસ્તિત્વ ખતમ થઈ જશે.

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યોલે મંગળવારે સશસ્ત્ર સેના દિવસે તેમણે આપેલા ભાષણનો જવાબ હતો. ઉત્તર કોરિયાને નિશાન બનાવવામાં સક્ષમ દક્ષિણ કોરિયાની સૌથી શક્તિશાળી હ્યૂનમૂ-5 બેલેસ્ટિક મિસાઇલ અને અન્ય પારંપરિક હથિયારોનું અનાવરણ કરતા યુને કહ્યુ કે, જે દિવસે પાડોશી દેશ પરમાણુ હથિયારનો ઉપયોગ કરવાની કોશિશ કરશે, તે દિવસે કિમ સરકારનો અંત આવશે. કારણ કે દક્ષિણ કોરિયા-અમેરિકાના ગઠબંધનનો દૃઢ અને ભારે વિરોધનો સામનો કરવો પડશે.