November 6, 2024

ઈરાનનો મધરાતે ઈઝરાયલ પર 200 મિસાઈલ અને ડ્રોનથી હુમલો

અમદાવાદ: હાલ વિશ્વમાં અનેક દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યા છે. ત્યારે ઈરાને પણ અડધી રાત્રે ઈઝરાયલ પર 200થી વધુ મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે. ઈરાને ઈઝરાયલ પર 200 થી વધુ વિવિધ પ્રકારના ડ્રોનથી હુમલા કર્યા છે. જેમાં કિલર ડ્રોન, બેલેસ્ટિક મિસાઈલ અને ક્રુઝ મિસાઈલોનો સમાવેશ થાય છે. જેરુસલેમ સહિત ઈઝરાયલના અનેક શહેરોમાં વિસ્ફોટ અને સાયરનનો અવાજ ગુંજી ઉઠ્યો છે.

એ બાદ સમગ્ર દેશને કિલ્લેબંધી કરવામાં આવી છે. ઈઝરાયલની સેનાએ એર ડિફેન્સ સિસ્ટમને સક્રિય કરી દીધી છે. સેનાને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈરાન આગામી કેટલાક કલાકોમાં ઈઝરાયલ પર વધુ મિસાઈલ હુમલા કરી શકે છે. ઈરાનની સેનાએ એક નિવેદન જારી કરીને આ હુમલાને ઓપરેશન ‘ટ્રુ પ્રોમિસ’ નામ આપ્યું છે.

ઇઝરાયલ આર્મી IDFના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ કહ્યું કે ઈરાને ઈઝરાયલ પર સીધો હુમલા શરૂ કરી દીધો છે. અમે ઈરાનના કિલર ડ્રોન પર નજર રાખી રહ્યા છીએ. ઈરાનના હુમલામાં દક્ષિણ ઈઝરાયેલમાં એક સૈન્ય મથકને નજીવું નુકસાન થયું છે. ઇઝરાયલે મોટાભાગની મિસાઇલોને એરો એરિયલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા તોડી પાડી છે. અલ અક્સાના સુવર્ણ ગુંબજ ઉપર આકાશમાં ઘણી મિસાઇલોને નીચે પડતી જોવા મળી છે.

આ પણ વાંચો: વધુ એક યુદ્ધના ભણકારા વચ્ચે એર ઇન્ડિયાના વિમાને ઈરાનના ક્ષેત્રથી ઉડાણ ન ભરી

આ હુમલા વચ્ચે ઈઝરાયેલના પીએમ નેતન્યાહુ અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને ફોન પર વાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે વર્તમાન સ્થિતિ પર ચર્ચા થઈ હતી. આ દરમિયાન બાઈડને કહ્યું કે, અમે ઈરાનના ખતરા સામે ઈઝરાયલની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ અને અમે તેના માટે મજબૂત રીતે ઊભા છીએ. સંયુક્ત રાષ્ટ્રે પણ આજે ઈમરજન્સી બેઠક બોલાવી છે.

નેતન્યાહુએ કહ્યું- અમે ઘણા મજબૂત છીએ
આ હુમલાઓ પર ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે, અમે દેશની સંરક્ષણ પ્રણાલીને કામે લગાડી દીધી છે. અમે કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છીએ. આપણો દેશ ખૂબ જ મજબૂત છે. IDF ખૂબ જ મજબૂત છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે આપણા લોકો ખૂબ જ મજબૂત છે. અમે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ સહિતના તમામ દેશોની પ્રશંસા કરીએ છીએ જેમણે આ સંકટના સમયમાં અમને સાથ આપ્યો.

ઈરાનના હુમલાથી ઈઝરાયલ સ્તબ્ધ
મધ્યરાત્રિએ ઈરાન દ્વારા ઈઝરાયલ પર થયેલા હુમલાને કારણે વૈશ્વિક તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું કે, ઈરાન કોઈપણ પ્રકારના સૈન્ય હુમલાથી પોતાને બચાવવા માટે કોઈ પણ પગલું લેવામાં ખચકાશે નહીં. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ પણ કહ્યું કે જ્યાં જરૂરી હોય ત્યાં તે હુમલાઓને તત્પરતાથી રોકવામાં આવી રહ્યા છે. આ સંદર્ભે ઇઝરાયલમાં વોર કેબિનેટની બેઠક બોલાવવામાં આવી છે.

‘ઈઝરાયેલને સજા થશે’
હુમલાના થોડા દિવસ પહેલા ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખમેનીએ ચેતવણી આપી હતી. તેણે કહ્યું હતું કે, ઈઝરાયલને સજા મળશે. ઈઝરાયલની દુષ્ટ સરકારને સજા થશે.