December 28, 2024

એપલના માલિક સ્ટીવ જોબ્સની ઈચ્છા સ્માર્ટફોન બનાવવાની હતી જ નહીં, એક લંચથી આવ્યો ટર્નિંગ પોઈન્ટ

iPhone 16: સ્ટીવ, હું જાણું છું કે, સ્માર્ટ સાથે સંબંધીત ઉત્પાદનો પર કામ કરવાની તારી કોઈ ગણતરી નથી. પણ આપણી પાસે આવું કરવા પાછળનું મજબૂત કારણ છે. આ શબ્દ છે સ્ટીવ જોબ્સને આવેલા એક ઈમેઈલના. એપલ કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ માઈક બૈલે આ ઈમેલ સ્ટીવને કરેલો હતો. આટલું વાંચી લીધા બાદ સ્ટીવે ડાયરેક્ટ માઈકને ફોન કર્યો અને બંન્ને વચ્ચે આશરે 2 કલાક સુધી લાંબી ચર્ચા ચાલી. આ વાત છે એ દાયકાની જ્યારે લોકો મ્યુઝિક સાંભળવા માટે વૉકમેનનો ઉપયોગ કરતા. મોબાઈલ ફોનની દુનિયામાં નોકિયાનો દબદબો હતો. નોકિયા 7610 અને બ્લેકબેરી 7100 જેવા ફોન માર્કેટમાં રાજ કરી રહ્યા હતા. સ્ટીવને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે,સ્માર્ટફોનની માર્કેટ આટલી વિશાળ બનશે.

સ્ક્રિન વગરનું કોમ્પ્યુટર
થોડા સમય બાદ સ્ટીવ સહમત થયા કે, ચાલો કંઈક નવું કરીએ. સ્માર્ટફોન બનાવીએ. આ સહમતીના અઢી વર્ષ પછી દુનિયાને મળ્યો પહેલો સ્માર્ટફોન. એપલ આઈફોન વન. ફોન સિવાય પણ કંપની પાસે ઘણી એવી પ્રોડક્ટ છે જે ખરેખર એકવખત વાપરવા જેવી છે. પણ કંપનીનો 50 ટકા પ્રોફિટ ફોનમાંથી થાય છે. એપલ કંપની પાછળ માત્ર સ્ટીવ જોબ્સ જ નહીં પણ સ્ટીવ વોઝનિયાક નામના વ્યક્તિનું પણ ભેજું હતું.સ્ટીવ અને વોઝનિયાક ઘણા સારા મિત્રો હતા. દુનિયાનું પહેલું કોમ્પ્યુટર એક રૂમ જેવડું અને ફ્રીજ જેવા દરવાજા ધરાવતું હતું આ વાત તો સૌ કોઈજાણે છે. પણ સ્ટીવ જોબ્સનો ઈરાદો એક એવું કોમ્પ્યુટર બનાવવાનો હતો જે લોકો પોતાના ઘરમાં સરળતાથી રાખી શકે. 1 એપ્રિલ 1976 એપલ કંપનીએ પહેલી વખત એક કોમ્પ્યુટર બનાવ્યું. ખાસ વાત એ હતી કે, આ કોમ્પ્યુટરમાં ન તો મોનિટર હતું કે, ન તો સીપીયું.

આ પણ વાંચો: iPhone 16 ખરીદવા લોકોની પડાપડી, 21 કલાક લાઈનમાં ઉભા રહ્યા ગ્રાહકો

બે ધુરંધરોએ હાથ મિલાવ્યા
વર્ષ 1978માં કંપનીએ જે કોમ્પ્યુટર બનાવ્યું એનાથી કંપનીને થઈ છપ્પરફાડ કમાણી. એવું કહી શકાય કે, કોમ્પ્યુટર ઈન્ડસ્ટ્રીમાં એક ક્રાંતિ લાવી દીધી. પછી હરીફ કંપનીઓએ પણ પોતાના ડિવાઈસની સાઈઝ નાની કરી હતી. ઘણા ઓછા લોકો એ વાત જાણતા હશે કે, આઈફોન બનવા પાછળનો બેઈઝ મોટોરોલાનો મોબાઈલ છે. દુનિયાનો પહેલો મોબાઈલ ફોન મોટોરોલા કંપનીનો હતો. એના પરથી એપલને થયું કે, આપણે એક સ્માર્ટફોન બનાવવો જોઈએ.વર્ષ 2003 અને વર્ષ 2004માં કલર મોબાઈલ હતા. એટલે કે કલર સ્ક્રિનવાળા મોબાઈલ હતા. સ્ટીવ જોબ્સ અને મોટોરોલા કંપનીના એ સમયના સીઈઓ ઈડી જેન્ડર ઘણા સારા મિત્રો હતા. બંન્નેની એવી ઈચ્છા હતી કે, ભેગા થઈને કંઈક કરીએ. અશક્ય તો હતું જ નહીં, કારણ કે, બંન્ને ટેકનોલોજીની દુનિયાના ભામાશાહ.

મોટોરોલાના ફોનમાં એપલનો સોફ્ટવેર
તારીખ 7 સપ્ટેમ્બર 2007. મોટોરોલા અને એપલે હાથ મિલાવ્યા. બનાવ્યો એવો મોબાઈલ જેમાં એપલ આઈટ્યૂન નામનું સોફટવેર મોટોરોલા કંપનીના મોબાઈલ મોટો રોકઆર ઈ1માં હતું. દુનિયાનો પહેલો એવો ફોન જેનું ડિવાઈસ મોટોરોલા અને સોફ્ટવેર એપલના. આઈટ્યુની ક્લેરિટી એટલે સોનીને ટક્કર મારે એવી ચોખ્ખાઈ. ખાસ વાત એ છે કે, કીપેડવાળો મોબાઈલ હોવા છતાં લોકો મ્યુઝિક, ઓડિયોબુક અને પોડકાસ્ટ જેવા ફીચર્સ એક જ ડિવાઈસ પર એક્સેસ કરી શકતા હતા.

નિષ્ફળતાનું કારણ
વધારે પડતી જગ્યા રોકતું હોવાને કારણે આખો મોબાઈલ જ ફેઈલ ગયો. એપલ કંપનીના ધુરંધરોને લાગ્યું કે, હવે સ્માર્ટફોનને એન્ટ્રી કરવાનો સાચો સમય છે. પણ ડખો ત્યાં હતો કે, સ્ટીવ જોબ્સ રાજી ન હતા. એને સ્માર્ટફોનની જફામાં પડવું જ ન હતું. વન ડિવાઈસ ધ સિક્રેટ હિસ્ટ્રી ઓફ આઈફોનના લેખક અને પત્રકાર બ્રાયન મર્ચેન્ટ બુકમાં એવું લખે છે કે, એપલ કંપનીનો કોમ્પ્યુટર વેચવાનો ધંધો ખૂબ સારો ચાલતો હતો. જોબ્સની ઈચ્છા જ ન હતી કે, કંપનીમાં કોઈ સ્માર્ટફોન બને. આ પાછળનું એક કારણ એ હતું કે, અમેરિકામાં વેરિઝોન અને એટીએનટી કંપનીનો દબદબો હતો. આ બંન્ને કંપની નક્કી કરતી કે, ક્યો ફોન એના નેટવર્ક સુધી પહોંચવા સક્ષમ છે. સ્ટીવ એવું માનતા કે, આ કંપનીઓના સહયોગથી ગ્રાહકો સુધી પહોંચવું કઠિન છે. બીજું એક કારણ એ હતું કે, લોકોને મોબાઈલ શું એની ખબર હતી. એવામાં જો સ્માર્ટ ફોન બને તો સિમિત વર્ગ જ એનો ઉપયોગ કરી શકે.

આ પણ વાંચો: iPhoneનો ક્રેઝ હોય તો આવો, એકસાથે 5 iPhone લીધા

કોન્ફિડન્સ જ ન હતો
બુકના આ અહેવાલ અનુસાર આઈફોનના એન્જિનીયર એન્ડી ગ્રીગનોન કહે છે કે, સ્ટીવને મનાવવા માટે ઘણા પ્રયાસો થયા. સ્માર્ટફોનનો આઈડિયા કંપની માટે બેસ્ટ પુરવાર થઈ શકે છે. પણ સ્ટીવને કોઈ કાળે આત્મવિશ્વાસ જ ન હતો. લાંબી મથામણ બાદ સ્ટીવ, માઈકલ, જોની આઈવ અને સ્ટીવ ઈસ્કોમેન લંચ કરવા માટે ભેગા થયા. અહીં બધા એકવાત પર સહમત થયા અને આઈફોન સ્માર્ટફોનના બીજ રોપાયા. આ સમગ્ર ઑપરેશનનો પણ કોડવર્ડ હતો. કોર્ડવર્ડ પર્પલ. આમ બન્યો અત્યારે સૌને પ્રિય છે એવો આઈફોન.