પ્રેમિકાને ગિફ્ટ કરેલા આઈફોનના હપ્તા ભરવા પ્રેમી ચોર બની ગયો
મિહિર સોની, અમદાવાદ: એક યુવકે પોતાની પ્રેમિકાને આઈફોન ગિફ્ટ કર્યો. બાદમાં હપ્તા ભરવાના પૈસા નહીં હોવાથી પ્રેમી ચોર બની ગયો. અમદાવાદના પોશ વિસ્તારમાંથી 5 વાહનોની ચોરી કરી છે. પ્રેમમાં ચોર બનેલા આરોપીને ઝોન 7 LCBએ ધરપકડ કરીને ચોરીના વાહનો જપ્ત કર્યા
ઝોન 1 LCBએ વાહન ચોરી કેસમાં આરોપી હર્ષદ ઉર્ફે હસુ મકવાણા ધરપકડ કરી છે. અમદાવાદના બોડકદેવ, સોલા અને વસ્ત્રાપુરમાં વાહન ચોરીના કેસો વધી રહ્યા હતા. જે મામલે તપાસ કરતા ઝોન 1 LCBની ટીમને બાતમી મળતા હર્ષદ મકવાણાની ચોરીની એક્ટિવા સાથે ધરપકડ કરવામાં આવી. આ આરોપીની પૂછપરછમાં 5 વાહન ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢી ચોરીના વાહનો પણ જપ્ત કર્યા છે. આ આરોપીએ પ્રેમિકાના મોજશોખ પુરા કરવા વાહન ચોર બન્યો હોવાનું તપાસમાં ખુલ્યું.
આ પણ વાંચો: હવામાન વિભાગની મોટી આગાહી, કચ્છ-સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા
પોલીસ તપાસમાં સામે આવ્યું કે 24 વર્ષનો હર્ષદ ઉર્ફે હસુ મકવાણા મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી છે અને ગોતામાં પરિવાર સાથે રહે છે. આરોપી ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો, પરંતુ થોડા સમય પહેલા જ તેની નોકરી છૂટી ગઈ હતી. આરોપીએ પોતાની પ્રેમિકાના મોજશોખ પુરા કરવા અને પોતાનો રોપો પાડવા આઈફોન લોન પર લઈને આપ્યો હતો, પરંતુ નોકરી છૂટી જતા આઈફોનના હપ્તા ભરવાના બાકી રહી ગયા હતા, જ્યારે પ્રેમિકાને ફરાવવા અને તેના મોજશોખ પુરા કરવા પૈસાની જરૂર પડતી હતી. આથી આરોપીએ વાહન ચોરી કરવાનું નક્કી કર્યું અને ચોરીના વાહનો ભેગા કરીને તેને વેચવાનું નક્કી કર્યું હતું. આરોપીએ 5 વાહન ચોરી કરીને તેના વેચાણ માટે ફરી રહ્યો હતો. જેની બાતમી પોલીસેને મળતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો.
ઝોન 1 LCB એ વાહન ચોર એવા પ્રેમીની ધરપકડ કરીને સોલા પોલીસને સોંપ્યો. સોલા પોલીસે આરોપીના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપી સાથે ચોરીમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરી છે.