September 12, 2024

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી અને દેહવ્યાપારના ચકચારી રેકેટનો ખુલાસો

મિહિર સોની, અમદાવાદ: બાંગ્લાદેશથી ગેરકાયદેસર સગીરાઓને અમદાવાદ લાવીને શારીરિક શોષણ કર્યા બાદ દેહવ્યાપાર કરાવવાનું રેકેટ પકડાયું છે. ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી છે. સાથે જ છેલ્લા ચાર મહિનાથી વસ્ત્રાલમાં આ રેકેટ ચાલતું હોવાનું ખુલાસો થયો છે. ત્યારે પોલીસ તપાસમાં હજી કેટલી ભોગ બનાર સગીરા સામે આવે છે તે જોવું રહ્યું.

નોકરી આપવાના તથા અન્ય બહાના હેઠળ સગીરાને ગેરકાયદેસર બાંગ્લાદેશથી અમદાવાદ લાવવામાં આવી શારીરિક શોષણ કરનાર મુખ્ય આરોપી સાગર મંડળની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી સાગર મંડળ અને તેનો સાગરીત અબ્દુલકરીમ મંડળ છેલ્લા કેટલાક વર્ષોથી 15 વર્ષની સગીરાથી લઇ 25 વર્ષની યુવતીઓને ગેરકાયદે અમદાવાદ અને ગુજરાતના અલગ અલગ શહેરોમાં બોલાવીને તેમનું શારીરિક શોષણ કરતા હતા. ત્યારબાદ, સગીરાઓને ગોંધી રાખીને દેહવ્યાપાર કરવા મજબૂર કરતા હતા. ક્રાઈમ બ્રાન્ચે આરોપી સાગર મંડળની ધરપકડ કરી 15 અને 16 વર્ષની એમ 2 સગીરા અને તેમની માતાનો છુટકારો કરાવ્યો છે. સાથે જ બન્ને આરોપી વિરુદ્ધ હ્યુમન ટ્રાફિકિંગ, પોક્સો અને બળાત્કારની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી બન્નેની ધરપકડ કરવામાં આવી છે.

પકડાયેલ આરોપી સાગર મંડળ અને મહંમદ ઉર્ફે અબ્દુલકરીમ મંડળ મૂળ બંગલાદેશના રહેવાસી છે અને અમદાવાદમાં ભાડે રહેતા હતા. જેમાં બન્ને આરોપીઓ ગેરકાયદેસર બાંગ્લાદેશથી ભારતમાં આવ્યા હતા અને નોકરી અપાવવાના બહાને સગીરાઓને પણ ગેરકાયદેસર બાંગ્લાદેશથી અમદાવાદ લાવતા હતા. સાથે જ, બંને આરોપીઓની તપાસમાં પોતાની ઓળખના બનાવટી દસ્તાવેજ ડોક્યુમેન્ટ ઉભા કર્યા હોય તેવા પુરાવા મળી આવ્યા છે. જેને લઇ બનાવટી દસ્તાવેજ કોની પાસે બનાવ્યા તેની તપાસ કરવામાં આવી છે. ઉપરાંત બાંગ્લાદેશથી અમદાવાદ કે ગુજરાત સુધી હ્યુમન ટ્રાફિકનું રેકેટ ક્યાં સુધી ફેલાયું છે અને રેકેટના અન્ય કોની સંડોવણી છે. તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

ક્રાઇમ બ્રાન્ચની તપાસ સામે આવ્યું છે કે આરોપીઓ અત્યાર સુધી 150થી વધુ સગીરા કે યુવતીને કોઈ પણ લાલચ પર લાવીને દેહવ્યાપાર કરાવ્યો છે. જેથી ક્રાઇમ બ્રાન્ચે અન્ય ભોગ બનાર સગીરાની શોધખોળ શરૂ કરી છે. સાથે જ બન્ને આરોપી સાથે અન્ય કોણ સંડોવાયેલ છે તેની તપાસ હાથ ધરી છે.