July 27, 2024

Gujarat Budget: પહેલી વખત માત્ર 115 કરોડનું બજેટ

ગાંધીનગર: ગુજરાતમાં આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ 15મી વિધાનસભામાં બજેટ રજૂ કરી રહ્યા છે. ગુજરાતનું પહેલુ બજેટ ગુજરાતના મુખ્યમંત્રીએ જ રજૂ કર્યું હતું. વાત છે વર્ષ 1960ની જ્યારે ગુજરાત મુંબઈથી અલગ થઈને 1લી મેના રોજ સ્વતંત્ર રાજ્ય બને છે. એ બાદ રાજ્યનું પહેલુ બજેટ ઓગસ્ટમાં રજૂ થાય છે.

બજેટનો રસપ્રદ ઈતિહાસ
ગુજરાતમાં બજેટનો ઈતિહાસ ખુબ જ રસપ્રદ છે.ગુજરાતનું પ્રથમ બજેટ ડૉ. જીવરાજ મહેતાએ રજૂ કર્યું હતું. એ વખતે જીવરાજભાઈ મુખ્યમંત્રીની સાથે નાણામંત્રીનો પણ હવાલો સંભાળી રહ્યા હતા. 22 ઓગસ્ટ 1960ના રોજ ગુજરાતનું પહેલુ બજેટ રજૂ થયું હતું. જે 115 કરોડ રૂપિયાનું હતું. જેમાં મહેસુલી આવક 54 કરોડ 25 લાખ હતી અને ખર્ચા 58 કરોડ 12 લાખ હતા. આમ, બજેટમાં ખાધ 3 કરોડ અને 87 લાખની હતી. એ સમયે પાઈ-પાઈનો હિસાબ બજેટમાં થતો હતો. નરેન્દ્ર મોદીના કાર્યકાળામાં સતત 18મી વખત નાણામંત્રી તરીકે વજુભાઈ વાળાએ બજેટ રજૂ કર્યું હતું. આ ઉપરાંત વજુભાઈ વાળાએ મોદી શાસનમાં 11મું અંદાજપત્ર રજૂ કરીને અનોખો વિક્રમ રચ્યો હતો.

અત્યાર સુધીનું સૌથી મોટુ બજેટ
ગુજરાતનું આજનું બજેટ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રહ્યું છે.2024-25 માટે આ વખતે બજેટનું કદ 3.32 લાખ કરોડ રૂપિયા જેટલુ રહ્યું છે. આ વખતે રાજ્યના બજેટને વિકસિત ભારત 2047નું નામ આપવામાં આવ્યું છે. જેમાં સ્વાસ્થ્ય, શિક્ષણ, ખેતી અને માળખાકીય સુવિધાઓ પર ભાર મુકવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણી પૂર્વે આયોજિત આ બજેટ સત્ર 29 ફેબ્રુઆરી સુધી ચાલશે. એક મહિના સુધી ચાલનારા બજેટ સત્ર દરમિયાન કુલ 26 બેઠકો યોજાશે.