December 22, 2024

પાટણમાં યોજાનાર પાટીદાર સમાજના સમુહ લગ્નમાં દંપત્તિને અપાશે 30 લાખનું વીમા કવચ

ભાવેશ ભોજક, પાટણ: પાટણના 42 લેઉવા પાટીદાર યુવા મંડળ દ્વારા આગામી નવેમ્બર માસમાં સંડેર ખાતે યોજાનાર સમૂહ લગ્નમાં ભાગ લેનાર 62 નવયુગલો અને સમુહ લગ્ન સંકલન સમિતિની બેઠક તાજેતરમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન ખાતે મળી હતી. જેમાં, ઐતિહાસિક નિર્ણયો લેવાયા હતા. આ સમૂહ લગ્નમાં જોડાનાર દંપતીને રૂપિયા 18.60 કરોડની પોસ્ટની ગ્રુપ એક્સિડન્ટ ગાર્ડ વીમા પોલિસી તેમજ 2.50 લાખથી વધુનું કરિયાવર ભેટ આપવાનું તથા સમૂહ લગ્ન સ્થળે આવવા માટે દરેક વર્ગ કન્યાને એક એક લક્ઝરી બસ મંડળના ખર્ચે આપવાની વ્યવસ્થા સહિતની અનેક સગવડો કરી આપવાની જાહેરાત કરાઈ છે.

સમગ્ર રાજ્યમાં આર્થિક રીતે સક્ષમ અને શિક્ષિત કહેવાતા પાટીદાર સમાજ સંગઠિત બની અન્ય સમાજો માટે પ્રેરણા રૂપ કાર્ય કરતો આવ્યો છે. તેમાંય પાટણ 42 લેઉવા પાટીદાર યુવા મંડળ દ્વારા નવીન પહેલ સાથે સમગ્ર દેશમાં ઐતિહાસિક અને પ્રથમવારના કાર્યો કરવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે. અગાઉ પાટીદાર સમાજની મહિલાઓને ગર્ભાશયના કેન્સર થી મુક્તિ અપાવવા માટે ગામે ગામ કેમ્પો કરી મહિલાઓને સર્વાઇકલ કેન્સરની રસી વિનામૂલ્યે આપવામાં આવી હતી. જેમાંથી પ્રેરણા લઈને અત્યારે અન્ય સમાજો પણ તેનું અનુકરણ કરી રહ્યા છે.

ત્યારે, હવે લગ્નમાં થતા ખોટા ખર્ચાઓ અને દેખાદેખી અટકાવવા માટે સમૂહ લગ્ન સમિતિનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 17 નવેમ્બરના રોજ ખોડલધામ સંડેર ખાતે 100 વીઘા થી વધુ જમીનમાં વિશાળ ડોમમાં યોજાનાર સમૂહ લગ્ન બાબતે તાજેતરમાં પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગ ભવન ખાતે સમુહ લગ્ન સમિતિ અને સમુહ લગ્નમાં જોડાનાર દંપતિઓ સાથેની એક બેઠક યોજાઈ હતી. જેમાં વ્યક્તિગત લગ્ન પ્રસંગે થતાં બિનજરૂરી ખોટા ખર્ચા જેવા કે પ્રી વીડિંગ શૂટિંગ નહીં કરવાનો નિર્ણય લેવાયો છે.

તદુપરાંત પરિવારને આર્થિક બચત થાય તેના ઉપર ચર્ચાઓ કરી દાતાઓના દાન થકી આ સમૂહ લગ્નમાં નવયુગનોને “લગ્ન કે સાથ ભી લગ્ન કે બાદ ભી” અંતર્ગત રૂપિયા 18. 60 કરોડની પોસ્ટ ગ્રુપની ગાર્ડ પોલીસી હેઠળ વીમા કવચ આપવામાં આવ્યું છે. એનું એક વર્ષ નું પ્રીમિયમ સમૂહ લગ્ન સમિતિ ભરશે. આ વીમા પોલિસી હેઠળ એક વર્ષના રિસ્કકવરમાં આકસ્મિક મૃત્યુ કે અકસ્માતના સંજોગોમાં કોઈ અંગને નુકસાન થાય તો પરિવારને આર્થિક મદદ સાથે સામાજિક સુરક્ષા પણ મળી રહેશે. દરેક વર-કન્યાને ઘરેથી સમુહ લગ્ન સ્થળ સુધી આવવા-જવા માટે એક-એક લક્ઝરી બસની વ્યવસ્થા વિનામૂલ્યે લગ્ન સમિતિ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત સમુહ લગ્નમાં 62 દંપત્તિને રૂપિયા 2. 50 લાખ થી વધુનું કરિયાવર પણ ભેટ સ્વરૂપે આપવામાં આવશે. જેમાં ઘરવખરીની નાનામાં નાની ચીજ વસ્તુઓથી લઈને મોટી ચીજ વસ્તુઓનો સમાવેશ કરાયો છે. આમ પાટણ 42 લેવા પાટીદાર યુવા મંડળ દ્વારા ખોડલધામ સંડેર ખાતે યોજાનાર સમૂહ લગ્ન ઐતિહાસિક બની રહેશે.