December 18, 2024

INLDના હરિયાણા પ્રમુખની ગોળી મારી હત્યા, 40-50 રાઉન્ડ ફાયરિંગ

બહાદુરગઢ: હરિયાણાના બહાદુરગઢમાં ઈન્ડિયન નેશનલ લોકદળ (INLD)ના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય નફે સિંહ રાઠી પર જીવલેણ હુમલો થયો છે. માહિતી અનુસાર આ હુમલામાં પૂર્વ ધારાસભ્યનું મોત થયું છે. હુમલાખોરોએ જ્યારે નફે સિંહ રાઠી પર ગોળીબાર કર્યો ત્યારે તે પોતાની કારમાં હતા અને સાથે અન્ય લોકો પણ ઘાયલ થયા હતા. ગોળીબારમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જેની સારવાર ચાલી રહી છે. માહિતી અનુસાર પૂર્વ ધારાસભ્ય નફે સિંહ ફોર્ચ્યુનર કારમાં મુસાફરી કરી રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓછામાં ઓછા 40-50 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે.

ઈન્ડિયન નેશનલ લોકદળના એક નેતાએ કહ્યું કે નફે સિંહ રાઠીને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. INLD પાર્ટીના પ્રવક્તા અમનદીપે કહ્યું કે સરકાર પાસેથી તેમના માટે સુરક્ષા માંગવામાં આવી હતી પરંતુ તેમને સુરક્ષા મળી નથી. વધુમાં કહ્યું કે અગાઉ પણ ભૂતપૂર્વ ધારાસભ્ય નફે સિંહ રાઠી પર હુમલાઓ થયા હતા અને હુમલાખોરોનો સામનો કરવો પડ્યો હતો.આ મામલે એસપી અર્પિત જૈને માહિતી આપી કે પોલીસને ફાયરિંગની માહિતી મળી હતી. વધુમાં ઉમેર્યું કે સીઆઈએ અને એસટીએફની ટીમો કામ કરી રહી છે અને આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

હુમલાખોરોએ 40-50 રાઉન્ડ ફાયરિંગ કર્યું
માહિતી અનુસાર નફે સિંહ રાઠી પોતાની ફોર્ચ્યુનર કારમાં મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન I-10 કારમાં સવાર કેટલાક હુમલાખોરો તેમનો પીછો કર્યો હતો. જ્યારે નફે સિંહની કાર બરાહી ફાટક પાસે પાસે પહોંચ્યી ત્યારે તેણે પૂર્વ ધારાસભ્ય પર ગોળીબાર કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોરોએ ઓછામાં ઓછા 40-50 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જે તસવીરો સામે આવી છે તેમાં જોઇ શકાય છે કે કારનો આખો કાચ તૂટેલો છે અને કાર પર ગોળીઓના નિશાન જોવા મળ્યા હતા. બીજી બાજુ કોંગ્રેસ નેતા ભૂપિન્દર સિંહ હુડ્ડાએ નફે સિંહની હત્યા પર કહ્યું કે, ‘હરિયાણામાં INLDના પ્રદેશ અધ્યક્ષ નફે સિંહ રાઠીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાના સમાચાર ખૂબ જ દુઃખદ છે. મૃત આત્માને મારી શ્રદ્ધાંજલિ અને પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના.’