January 4, 2025

ભારતીય ઇતિહાસનો કાળો દિવસ, આજના દિવસે 1975માં PM ઇન્દિરાએ ઇમર્જન્સી લગાવી હતી

અમદાવાદઃ વર્ષ 1975માં અલાહાબાદ હાઈકોર્ટે 12મી જૂને એક અરજીની સુનાવણી કરતાં ઇન્દિરા ગાંધીને છ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ લાદ્યો હતો. ત્યારે ઇન્દિરા ગાંધી પર ખોટી રીતે ચૂંટણી જીતવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને તે અંગે સુનાવણી ચાલતી હતી. ઇન્દિરા ગાંધીને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે ચૌદ દિવસનો સમય આપવામાં આવ્યો હતો.

તે સમયે ઇન્દિરા ગાંધીએ તેમના પદ પરથી રાજીનામું આપવાના બદલે 25મી જૂનના દિવસે દેશમાં કટોકટી લગાવી દીધી હતી અને સત્તાનું સુકાન પોતાના હાથમાં લઈ લીધું હતું. તેમણે કોર્ટના કે કાયદાકીય કોઈપણ દસ્તાવેજ વગર ગેરકાનૂની ઢબે વિપક્ષના તમામ સભ્યોને રાજકીય કેદી બનાવી લીધા હતા. તે સમયે અંદાજે એક લાખથી વધારે લોકોને જેલમાં પૂરી દેવામાં આવ્યા અને ઇન્દિરા ગાંધી પોતે જ કાયદો બની ગયાં હતાં.

શરૂઆતમાં ઇન્દિરા ગાંધીએ પદ છોડવા માટે વિચાર્યું હતું, પરંતુ જગજીવન રામે એ વાતનો સખત વિરોધ કર્યો હતો. તેમને લાગતું હતું કે, જો ઇન્દિરા ગાંધી લોકો સમક્ષ જશે અને માફી માગી લેશે તો સત્તામાં પાછી આવી જશે. લોકો ગુસ્સામાં એટલે હતા કે કટોકટીમાં ખૂબ જ અત્યાચાર થયા હતા. ઇન્દિરા ગાંધી એક સરમુખત્યારની જેમ રાજનીતિ કરી રહ્યાં હતાં.

બીજી તરફ, ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધી અને સંરક્ષણ મંત્રી બંસીલાલ સરકારને તેમની વ્યક્તિગત મિલકત માનીને ચલાવી રહ્યા હતા. તેમને નિંદા સહેજ પણ સહન નહોતી થતી. ઇન્દિરા ગાંધી એવું દેખાડતાં હતાં કે, જાણે તેઓ ખૂબ જ ભોળી વ્યક્તિ છે અને જે કંઈ પણ થઈ રહ્યું છે તેની તેમને જાણ જ નથી. હાલત એટલી ખરાબ હતી કે, લોકોની ધરપકડ કરવા માટે બ્લૅક વૉરંટનો ઉપયોગ કરવામાં આવતો હતો. કોઈને એવો અંદેશો પણ નહોતો કે, એક વડાપ્રધાન હાઈકોર્ટનો આદેશ માનવાના બદલે બંધારણને જ રદ કરી દેશે.

ઇન્દિરા ગાંધીમાં વેરની ભાવના હદ વટાવી ચૂકી હતી. વિરોધીઓનાં ઘર અને ધંધાકીય સ્થાનો પર દરોડા પાડવામાં આવતા હતા. જેમાં રાજકીય દળના નેતાઓનો પણ સમાવેશ થતો હતો. એટલે સુધી કે જે ફિલ્મોથી એમને નુકસાન પણ નહોતું થતું એ ફિલ્મો પર પણ પ્રતિબંધ લાદી દેવાયો હતો. ‘આંધી’ ફિલ્મમાં એક સરમુખત્યાર શાસકનું ચિત્રણ કરવામાં આવ્યું હતું. તેના પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. ભારતને આઝાદ થયે 75 વર્ષ થઈ ગયાં છે ત્યારે આ સતર્કતા વધારે જરૂરી છે.