January 16, 2025

રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઈને શિક્ષણ મંત્રીનું સૂચક નિવેદન

ગાંધીનગર: છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં ભરતી પ્રક્રિયા અને તેમાં પણ સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતીને લઈને ભારે ચર્ચા અને વિવાદ ચાલી રહ્યા છે. ભરતીને લઈને જ્યાં એક તરફ અનેક ઉમેદવારો પ્રદર્શન કરીને વિરોધ દર્શાવી રહ્યા છે તો હવે રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઈને શિક્ષણમંત્રી કુબેર ડિંડોરનું નિવદેન સામે આવ્યું છે.

રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઈને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે નિવેદન કરતાં જણાવ્યું છે કે રાજ્યમાં શિક્ષકોની જગ્યા વધારીને ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે ધોરણ 1થી 12માં મહેકમ પ્રમાણે ભરતી કરવામાં આવશે. આગામી ડિસેમ્બર સુધીમાં શિક્ષકોની 24,700 જેટલી જગ્યાઓ ભરવામાં આવશે.

વધુમાં તેમણે ઉમેદવારોને ખોટી રીતે ભ્રમિત ન થવા અપીલ કરી છે. માંગના પત્રક પ્રમાણે શિક્ષણ વિભાગ તબક્કા પ્રમાણે ભરતી કરશે. વધુમાં તેમણે ઉમેદવારોને અપીલ કરી હતી કે ભરતીને લગતી કોઈપણ માહિતી માટે ઉમેદવાર પોતાના વિસ્તારમાં રહેતા સાંસદ અને ધારાસભ્યને પત્ર લખીને રજુઆત કરતાં હોય છે. જેથી તેમના વિદ્યાર્થીની સમસ્યાઓ ધ્યાને રાખીને પત્ર લખતા હોય છે.