‘વારંવાર એક જ વાતનું પુનરાવર્તન કરવાથી કાશ્મીર તમારું નહીં થાય’, UNમાં ભારતનો પાકિસ્તાનને સણસણતો જવાબ

India: સંયુક્ત રાષ્ટ્ર (UN)માં ભારતના કાયમી પ્રતિનિધિ પર્વતાનેની હરીશે જમ્મુ અને કાશ્મીર પર પાકિસ્તાનના દાવાઓ અને નિવેદનોની આકરી ટીકા કરી. તેમણે એમ પણ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો વારંવાર ઉઠાવવાથી ભારતનો આ અભિન્ન ભાગ પાકિસ્તાનનો ભાગ નહીં બને. પર્વતાનેનીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને હંમેશા રહેશે.
વિશ્વભરમાં ઇસ્લામોફોબિયા સામે લડવા માટે આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી માટે આયોજિત યુએનની બેઠકમાં પર્વતાનેનીએ પાકિસ્તાનની ટીકા કરી. સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના તાજેતરના નિવેદન પર ભારતે જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ સચિવે ફરી એકવાર ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરનો બિનજરૂરી ઉલ્લેખ કર્યો છે.” જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો વારંવાર ઉઠાવવાથી ન તો આ વિસ્તાર પરનો તેમનો દાવો માન્ય રહેશે અને ન તો સરહદ પારના આતંકવાદને સમર્થન વાજબી ઠેરવવામાં આવશે. તેમણે કહ્યું, ‘પાકિસ્તાનના આવા પ્રયાસોથી એ વાસ્તવિકતા બદલાશે નહીં . જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન અંગ હતું, છે અને હંમેશા રહેશે.’
ભારત સરકાર વતી હરીશ પર્વતાનેનીનું આ નિવેદન શુક્રવારે ભારતે પાકિસ્તાનના તે આરોપોને ફગાવી દીધા બાદ આવ્યું છે જેમાં પાકિસ્તાને તેના દેશમાં ટ્રેન હાઇજેકિંગમાં ભારતની ભૂમિકા હોવાનો આરોપ લગાવ્યો હતો. ભારતે આ આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે વિશ્વ સારી રીતે જાણે છે કે વૈશ્વિક આતંકવાદનું વાસ્તવિક કેન્દ્ર ક્યાં છે.
આ પણ વાંચો: વરુણ ચક્રવર્તીનો ચોંકાવનારો ખુલાસો, T20 વર્લ્ડ કપ પછી લોકોએ મને મારી નાખવાની આપી હતી ધમકી
‘ભારત સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે’
હરીશ પર્વતાનેનીએ યુએન સત્રમાં જણાવ્યું હતું કે, ‘ભારત વિવિધતા અને બહુલતાની ભૂમિ છે. ભારતમાં 20 કરોડથી વધુ મુસ્લિમો છે અને તે વિશ્વની સૌથી મોટી મુસ્લિમ વસ્તીમાંનો એક દેશ છે. મુસ્લિમો સામે ધાર્મિક અસહિષ્ણુતાની ઘટનાઓની નિંદા કરવામાં ભારત સંયુક્ત રાષ્ટ્રના સભ્ય તરીકે એકજૂથ છે. હરીશે એમ પણ કહ્યું કે ધાર્મિક ભેદભાવ, નફરત અને હિંસાથી મુક્ત વિશ્વને પ્રોત્સાહન આપવું એ ભારત માટે હંમેશાથી જીવન જીવવાની એક રીત રહી છે.