December 19, 2024

National Space Day 2024: આ દીકરી ગુજરાતનું ગૌરવ, NASAમાં કરે છે કમાલ

વિવેક ચુડાસમા, અમદાવાદઃ 23મી ઓગસ્ટ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગઈ છે. હવેથી આ દિવસે ‘નેશનલ સ્પેસ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભારતે અંતરિક્ષમાં ચંદ્રયાન-3 મિશનની ઐતિહાસિક સફળતા મેળવી હતી. ત્યારે આજે વાત કરવી છે ગુજરાતના આણંદથી આકાશગંગા સુધી પહોંચેલા ડો. એકતા શાહ વિશે. તેઓ NASA માટે રિસર્ચ કરે છે અને તેમણે ઘણી ગેલેક્સી સિટી (આકાશગંગાની સિટી) શોધી છે. ત્યારે ન્યૂઝ કેપિટલ ગુજરાતે ડો. એકતા સાથે તેમની નાસા સુધીની સફર વિશે ખાસ વાતચીત કરી હતી. આવો જાણીએ તેમની સમગ્ર કહાણી…

ક્યાં અભ્યાસ કર્યો?
સૌથી પહેલા વાત કરીશું તેમના અભ્યાસ વિશે. એકતા શાહે પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ આણંદમાં જ કર્યો છે. ત્યારબાદ તેમને પ્યોર સાયન્સમાં વધુ રસ પડતા MS યુનિવર્સિટીમાંથી BSc ફિઝિક્સમાં પાસ કર્યું. પછી IIT બોમ્બેમાંથી MSc પાસ કર્યું હતું. ત્યારપછી વર્ષ 2015માં તેમને USના ન્યૂયોર્કમાં આવેલી રોચિસ્ટર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં એસ્ટ્રોફિઝિક્સમાં પીએચડી કર્યું છે. વર્ષ 2021માં તેમને ‘એસ્ટ્રો ફિઝિકલ સાયન્સિસ એન્ડ ટેક્નોલોજી’માં PhDની ડિગ્રી મળી છે. હાલ તેઓ ડેવિસ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં પોસ્ટ ડોક્ટર રિસર્ચ સ્કોલર તરીકે કામ કરી રહ્યા છે.

પ્રાથમિક શિક્ષણ ગુજરાતીમાં લીધું
ડોક્ટર એકતા શાહ કહે છે કે, ‘ધોરણ 11-12માં મને જેજે વ્યાસ સર ફિઝિક્સ ભણાવતા હતા. હું તેમને બહુ જ પ્રશ્નો પૂછતી. પ્રોબ્લમ સોલ્વિંગ્સની ઘણી બધી બુક્સ મેં મારી જાતે સોલ્વ કરી હતી. એ સમયે મને IIT કે અન્ય કોઈ યુનિવર્સિટી વિશે ખબર જ નહોતી. 12 પછી મેં એક ગેપ યર લીધું હતું. મને 12મા ધોરણ સુધી ખબર નહોતી કે હું પ્યોર સાયન્સમાં જઈશ. ત્યારે શરૂઆતમાં ગુજરાતીમાંથી અંગ્રેજી ભાષામાં ટ્રાન્સફોર્મ થતા થોડી તકલીફ પડી હતી. પરંતુ મેં એક વર્ષ ગેપ લીધો હતો એટલે એ સમયગાળા દરમિયાન મેં ઘણી પ્રેક્ટિસ કરી હતી. તેથી ઓછી તકલીફ પડી હતી.’

NASA દ્વારા ઓપરેટ થતા સ્પેસ ટેલિસ્કોપ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં ડો. એકતા શાહ

એસ્ટ્રોનોમર બનવાનો વિચાર કેવી રીતે આવ્યો?
ડો. એકતા અંગે જણાવે છે કે, ‘હું અમદાવાદમાં હતી ત્યારે એક સિટિંગ હોલમાં એસ્ટ્રોની કોન્ફરન્સ ચાલી રહી હતી. તે સમયે ત્યાંથી હું પસાર થઈ રહી હતી. મને રસ પડ્યો અને તેમાં જઈને બેઠી. તેમાં દેશના અનેક જાણીતા એસ્ટ્રોનોમર્સ આવ્યા હતા. આ કોન્ફરન્સમાં મેં અનેક પ્રશ્નો પૂછ્યા હતા. ત્યાં મને PRLના એક સર મળ્યા હતા. જેઆર ત્રિવેદી એમનું નામ. તેમણે મને PRLમાં મને બોલાવી અને ગાઇડ કરી હતી. તેમણે મને કહ્યુ હતુ કે, મને પ્યોર સાયન્સમાં રસ છે તો Indian Institute of Science Education and Researchમાં એડમિશન લેવું જોઈએ. ત્યારપછી મને રસ પડ્યો અને હું એ દિશામાં આગળ વધી.’

હવાઇમાં આવેલા વિવિધ ટેલિસ્કોપ સાથે ડો. એકતા શાહ

પપ્પાએ ભણાવવા માટે ખૂબ સંઘર્ષ કર્યોઃ એકતા શાહ
ડો. એકતા શાહ તેમના મમ્મી-પપ્પા વિશે જણાવતા કહે છે કે, ‘મારા મમ્મી અને પપ્પા બંને માત્ર હાઇસ્કૂલ પાસ છે. હું બહુ જ લકી છું. મારા મમ્મી પપ્પાને મારા માટે જ બનાવવામાં આવ્યા હોય તેવું લાગે છે. તેમની પાસે સાયન્સનું બેકગ્રાઉન્ડ નથી. તે છતાં મને જે કરવું હોય તેના માટે મને સપોર્ટ કર્યો છે. મારા પિતા પ્રાઇવેટ કંપનીમાં માર્કેટિંગમાં જોબ કરતા હતા અને મમ્મી પડદાં સિવતા હતા. હું એકની એક દીકરી છું. એ વખતે સેવિંગ્સ તોડીને ક્લાસ કરવા મોકલી હતી અને કહ્યુ હતુ કે, તારું આઈઆઈટી ના ક્લિયર થાય પણ તને શીખવા મળશે ને. એટલે મને ત્યાં ભણવા મોકલી. ત્યારે પપ્પાએ મને સોનીનું લેપટોપ લઈ આપ્યું છે. મારા પપ્પાએ મને ભણાવવા માટે ખૂબ જ સંઘર્ષ કર્યો છે. છેલ્લા 30 વર્ષથી અમે 10*10ની એક જ રૂમમાં રહીએ છીએ. મારા ભણવાની વાત આવે ત્યારે મારા પપ્પા કોઈ બાંધછોડ કરવા માગતા નહોતા. મને કોઈપણ વિશ્વના ખૂણામાં ભણવા જવા માટે ફ્રિડમ આપી હતી.’

તેઓ આગળ જણાવતા કહે છે કે, ‘મારું આઠ માર્ક્સને કારણે IITમાં સિલેક્શન થતાં રહી ગયું હતું. સમગ્ર ભારતમાં મારો 10 હજારમો રેન્ક હતો. ઘણી યુનિવર્સિટીમાં એડમિશન મળતું હતું… પણ મારે પ્યોર સાયન્સમાં જ જવું હતું. તેથી મેં BSc કર્યું. આ સિવાય મારા શાંતાફોઈએ પણ મને ખૂબ સપોર્ટ કર્યો છે. મારા સ્કૂલના ફિઝિક્સના શિક્ષક જેજે વ્યાસ જલદીપ વ્યાસ સર પણ મને ખૂબ જ મદદ કરે છે. મારા દરેક પ્રશ્નોના તેમણે જવાબ આપ્યા છે. મારામાં ફિઝિક્સ પ્રત્યે પ્રેમ જગાડવા માટે તેઓ પણ જવાબદાર છે. મારે પિતા સાથે એક મિત્ર જેવા સંબંધ છે. ક્યારેય એમણે મોટપ બતાવી નથી. મારું ઓપન થિકિંગ ઘરના વાતાવરણને કારણે જ છે. તમને તમારા મૂળ ખબર હોવા જોઈએ, રૂટ્સ ખબર હોવા જોઈએ.’

રિસર્ચ સ્કૂલમાં સિલેક્શન થયું
રિસર્ચ સ્કૂલમાં જવા અંગે ડોક્ટર એકતા શાહ કહે છે કે, ‘બેંગ્લોર, પૂણે અને પશ્ચિમ બંગાળની રિસર્ચ સ્કૂલમાં વિન્ટર અને સમર સ્કૂલ માટે મેં એપ્લાય કર્યું. બેંગ્લોરમાં આઇયુકા નામની રિસર્ચ સ્કૂલમાં આખા દેશમાંથી 35 સ્ટુડન્ટ્સને સિલેક્ટ કરતા હતા. તેમાં પણ હું સિલેક્ટ થઈ હતી અને બેંગ્લોર ગઈ હતી. મને ક્યારેય મારા માતા-પિતાએ રોકી નથી. મને જ્યાં જવું હોય ત્યાં જવાની સ્વતંત્રતા આપી છે. તેથી જ આજે હું અહીં પહોંચી શકી છું.’

માતા-પિતા સાથે ડો. એકતા શાહ

IAPTમાં ગોલ્ડ મેડલ મળ્યો
ડોક્ટર એકતા શાહ તેમના જીવનની યાદગાર ક્ષણને યાદ કરતા કહે છે કે, ‘હું બેચલર ભણતી હતી ત્યારે ક્વોન્ટમ મિકેનિક્સ અને સ્પેશિયલ રિલેટિવિટી વિષયમાં ઘણું નવું ભણવાનું આવ્યું હતું. ત્યારે મને આ વિષયમાં રસ પડ્યો હતો અને હું મારી રીતે તૈયારી કરી હતી. ત્યારે મેં ઘણાં પ્રોબ્લેમ્સ મારી જાતે સોલ્વ કર્યા હતા. ત્યારબાદ જામની પરીક્ષામાં મેં ડિસેમ્બરમાં મેં પહેલાના પેપર સોલ્વ કરવા માટે લીધા હતા અને તે જોતાં જ હું ખુશ થઈ ગઈ. કારણ કે મને તો એ પેપર્સ બહુ સહેલા લાગ્યા હતા. આ પરીક્ષામાં 100માંથી 50 માર્ક્સ આવે તો પણ બહુ જ સારા ગણાય છે. તે સમયે મારા 100માંથી 54 માર્ક્સ આવ્યા હતા અને AIRમાં હું 38મા ક્રમે હતી. આ દરમિયાન મેં અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ આપી હતી. IAPT (Indian association of physics teachers) આખા ભારતમાં બેચલર્સ સ્ટુડન્ટ હોય તેની પરીક્ષા લે છે. તેમાંથી 25 સ્ટુડન્ટ સિલેક્ટ કરે અને ત્યારબાદ તેમની એક્સપરિમેન્ટલ પરીક્ષા લે છે. તેમાંથી 5 વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ આપે છે. તેમાં પણ હું સિલેક્ટ થઈ અને મને ગોલ્ડ મેડલ મળ્યો હતો.’

વિવિધ ટેલિસ્કોપ સાથે ડો. એકતા શાહ

આકાશગંગા અંગે રિસર્ચ કર્યું
ડો. એકતા શાહ આગળ જણાવે છે કે, ‘એક IUKA institute છે તે એન્ટ્રસ એક્ઝામ લે છે. મોટેભાગે બેચલર્સ અને માસ્ટર્સ તે પરીક્ષા આપી શકે છે. તેના પછી બે ઇન્ટરવ્યૂ હોય છે. 5-6 લોકોની પેનલ ઇન્ટરવ્યૂ લે. મેં આ બધું જ ક્લિયર કરી નાંખ્યું હતું. એ પણ જ્યારે હું બેચલર્સમાં હતી ત્યારે… એટલે એ લોકોએ મને પીએચડી કરવા માટે પ્રિસિલેક્ટ કરી હતી. એ લોકોએ મને કહ્યુ કે, ‘તમે માસ્ટર્સ ગમે ત્યાંથી કરી લો… પણ પીએચડી અમારે ત્યાં જ કરવા આવજો.’ આ સિવાય મેં મુંબઈમાં આવેલી ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિસર્ચ સેન્ટરમાં માસ્ટરનો એક પ્રોજેક્ટ કર્યો હતો. ત્યારબાદ મારું USમાં પીએચડી માટે સિલેક્શન થઈ ગયું હતું. આખા વિશ્વમાંથી ત્રણ વિદ્યાર્થીઓને તેમણે સિલેક્ટ કર્યા હતા. તેમાંથી હું એક હતી. આ પણ મારા માટે એક ગર્વની ક્ષણ હતી. ત્યારબાદ હું તેમાં પીએચડીના એડમિશન દરમિયાન ‘આકાશગંગાના એકબીજા સાથેનાં જોડાણ’ વિષય પર રિસર્ચ કર્યું. બ્લેકહોલ એક્ટિવિટીમાં કેવી રીતે અસર થાય છે. તેના પર રિસર્ચ કર્યું હતું.’

NASAએ રિસર્ચ કરવા માટે સપોર્ટ કર્યો
તેમના સંશોધન અંગે વાત કરતા કહે છે કે, ‘હાલ હું પોસ્ટ ડોક્ટર રિસર્ચ સ્કોલર તરીકે કામ કરું છું. આ કામ કરવા માટે મને NASAએ ગ્રાન્ટ આપી છે. મારા એડવાઇઝરે NASAને પ્રપોઝલ મોકલ્યું હતું. તે સિલેક્ટ થયું હતું અને મને ગ્રાન્ટ મળી છે. હાલ હું ‘આકાશગંગાના પ્રોટો સ્ટ્રક્ચર’ પર રિસર્ચ કરી રહી છું. બ્રહ્માંડમાં નવી આકાશગંગા બની રહી હોય તેને પ્રોટો સ્ટ્રક્ચર કહેવામાં આવે છે. એક કરતાં વધારે આકાશગંગા તેમાં જોડાયેલી હોય છે. તેને ગેલેક્સી સ્ટ્રક્ચર તરીકે ઓળખવામાં આવે છે. આ આકાશગંગા કેવી રીતે બને છે તે શોધવાનું મારું કામ છે. આ થોડું અઘરું કામ છે. પરંતુ મારી પાસે વિશ્વના સૌથી સારા ડેટા છે. હવાઇમાં કેક ટેલિસ્કોપ આવેલો છે. તેમાંથી પણ ડેટા તૈયાર કરીને મેં આ સંશોધનમાં ઉપયોગ કર્યો છે. આ તમામ સંશોધન બાદ મેં છ અલગ અલગ આકાશગંગાની સિટી શોધી કાઢી છે.’

ટેલિસ્કોપમાં ઓબ્ઝર્વેશન લેવા ગયેલા ડો. એકતા શાહ

આજના યુવાનો માટે શું સંદેશ આપશો?
તેઓ આજની સ્ત્રીઓ-છોકરીઓ માટે સંદેશ આપતા જણાવે છે કે, ‘ડો. એકતા શાહઃ તમે એવું વિચારશો નહીં કે, આ નહીં કરી શકો, તે નહીં કરી શકો. કોઈ ફિલ્ડ એવી નથી કે જ્યાં સ્ત્રી નથી. કોઈ કામમાં મેલ-ફિમેલ જેવું નથી હોતું. હું પોતે એસ્ટ્રોનોમર છું તો એમ નથી વિચારતી કે વુમન એસ્ટ્રોનોમર છું. એસ્ટ્રોનોમર એ એસ્ટ્રોનોમર જ કહેવાય, પછી એ પુરુષ હોય કે સ્ત્રી હોય. માણસની રીતે વિચારો. એક પુરુષ કરે તે તમામ કામ સ્ત્રી કરી જ શકે છે. તમારે સૌથી પહેલા તમારી પોતાની વેલ્યૂ સમજવી પડશે. તમારી બાઉન્ડ્રી તમારે જાતે જ નક્કી કરવી પડશે. કોઈનું ખરાબ વર્તન ક્યારેય ન સ્વીકારશો. ક્યારેય ડરશો નહીં. તમારે જે મેળવવું છે, તેના માટે દોડતા રહો. કામ કરતા રહો. તમે જરૂર ત્યાં પહોંચી શકશો.’

માતા-પિતા સાથે ડો. એકતા શાહ

તેઓ ઉદાહરણ આપી સમજાવે છે કે, ‘આપણાં હિંદુ ધર્મમાં તમને દેવી-દેવતાઓની ક્લિયર ઇમેજ મળે છે. તેમાં પણ શક્તિને સ્થાન આપવામાં આવ્યું છે. તમે શક્તિના હાથમાં જોઈ શકો છો કે, એક હાથમાં કમળ અને બીજા હાથમાં ત્રિશૂળ છે. એટલે ક્યારે શું વાપરવું જોઈએ એનો ખ્યાલ આવવો જોઈએ. તમારી અંદર પણ શક્તિનો એ જ અંશ છે, એટલે તમે પણ બધું કરી શકો છો.’