ભારતમાં સૌપ્રથમ હાઇટેક સિસ્ટમવાળું સોના-ચાંદીનું ATM મશીન સુરતમાં લોન્ચ કરાયું

અમિત રૂપાપરા, સુરત: ભારતમાં સૌપ્રથમ વખત સોના અને ચાંદીનું એટીએમ મશીન હાઇટેક સિસ્ટમ સાથે સુરતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. સુરતના ડી ખુશાલભાઈ જ્વેલર્સ દ્વારા અત્યાધુનિક ગોલ્ડ એટીએમ મશીન લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં લોકો યુપીઆઈ અને કાર્ડ થકી સોના-ચાંદીના સિક્કાઓની ખરીદી 24 કલાકમાં ગમે તે સમયે કરી શકશે.
આ ગોલ્ડ એટીએમ મશીનની ખાસિયતની વાત કરવામાં આવે તો રીયલ ટાઇમ જે ભાવ હશે તે ભાવનું સોનું લોકો ખરીદી શકશે અને લોકો ઓનલાઈન ટ્રાન્જેક્શન કરીને સોનું અથવા તો ચાંદીની ખરીદી કરી શકશે. અડધા ગ્રામથી લઈને 10 ગ્રામ સોનાની ખરીદી એક વખતમાં લોકો કરી શકશે.
મહત્વની વાત છે કે અલગ અલગ પ્રસંગમાં લોકો સોના-ચાંદીની ભેટ આપતા હોય છે, પરંતુ વર્તમાન સમયમાં લોકો સોના-ચાંદીના સિક્કાની ભેટ પ્રસંગોમાં આપતા થયા છે. ત્યારે ઘણી વખત રાતના સમયે જવેલર્સ બંધ હોવાથી લોકોને સોનું-ચાંદી ખરીદવા માટે મુશ્કેલી પડે છે, પરંતુ હવે આ સમસ્યાનું સોલ્યુશન સુરતમાં આવી ગયું છે અને તેનું કારણ ગોલ્ડ એટીએમ છે. સુરતના વેસુ વિસ્તારમાં આવેલ ડી ખુશાલભાઈ જ્વેલર્સ દ્વારા આ ગોલ્ડ એટીએમ મૂકવામાં આવ્યું છે. જેના થકી લોકો 24 કલાકમાં ગમે ત્યારે સોના-ચાંદીની ખરીદી કરી શકશે.
મહત્વની વાત એ છે કે, જે પ્રકારે જવેલર્સની દુકાનની અંદર મજબૂત સેફ તૈયાર કરવામાં આવ્યા હોય છે તે જ પ્રકારે આ એટીએમને પણ સેફની રીતે મજબૂતાઈ આપવામાં આવી છે અને તેમાં અલગ અલગ કમ્પાર્ટમેન્ટ છે અને અલગ અલગ લેયરમાં સિક્યુરિટી છે. જેથી કરીને આ ગોલ્ડ એટીએમની સુરક્ષા વધી જાય.
ભારતના હૈદરાબાદમાં ગોલ્ડ એટીએમ મશીન તૈયાર કરવામાં આવે છે અને ભારતમાં એકમાત્ર હૈદરાબાદમાં ગોલ્ડનનું એટીએમ મશીન હતું, પરંતુ હૈદરાબાદમાં જે મશીન મૂકવામાં આવ્યું છે. તેના કરતાં વધુ સિસ્ટમવાળું હાઇટેક મશીન સુરતમાં મૂકવામાં આવ્યું છે. એટલે ભારતમાં સૌપ્રથમ વખત હાઈટેક સિસ્ટમ સાથેનું અત્યાધુનિક ગોલ્ડ એટીએમ મશીન મુકવામાં આવ્યું છે. જેમાં રીયલ ટાઇમ એટલે કે વ્યક્તિ જે સમયે સોનું ખરીદવા ઇચ્છતા હોય તે સમયે તે મિનિટે સોનાનો જે ભાવ હોય તે ચાંદીનો જે ભાવ હોય તે ભાવમાં લોકો સોનું કે ચાંદી ખરીદી શકશે.