January 5, 2025

ભારતને મોટી સફળતા, બેંગલુરુમાં આતંકી ષડ્યંત્ર રચનારા આરોપીને રવાંડાથી ભારત લવાયો

India: સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સાથે મળીને વોન્ટેડ લશ્કર-એ-તૈયબા (LeT)ના આતંકવાદી સલમાન રહેમાન ખાનને રવાંડામાંથી ઇન્ટરપોલ ચેનલો દ્વારા પરત લાવવામાં સફળતા મેળવી છે.

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને માહિતી આપી હતી કે તે આતંકવાદી કેસમાં વોન્ટેડ સલમાન રહેમાન ખાનને લઈને ઈન્ટરપોલ ચેનલો દ્વારા NIA સાથે સંકલન કરી રહી છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ તેની સામે ગુનાહિત કાવતરું, આતંકવાદી સંગઠનનો સભ્ય હોવા અને આતંકવાદી સંગઠનને સમર્થન આપવા અને આર્મ્સ એક્ટ અને એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટ હેઠળ ગુનાઓ સાથે સંબંધિત કેસ નોંધ્યો હતો. તે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT)નો સભ્ય છે.

સીબીઆઈએ વધુમાં જણાવ્યું હતું કે સલમાન રહેમાન ખાને એલઈટીનો સભ્ય હોવાને કારણે બેંગલુરુમાં આતંકવાદી પ્રવૃતિઓ ચલાવવા માટે શસ્ત્રો, દારૂગોળો અને વિસ્ફોટકો પૂરા પાડવામાં મદદ કરી હતી.

સપ્ટેમ્બરમાં રવાંડામાં ધરપકડ કરવામાં આવી હતી
રવાંડાના ઇન્વેસ્ટિગેશન બ્યુરો (RIB) એ કહ્યું કે ભારતીય અધિકારીઓની વિનંતી પર સપ્ટેમ્બરની શરૂઆતમાં સલમાનની ધરપકડ કરવામાં આવી હતી. RIB સેક્રેટરી જનરલ જીનોટ રૂહુંગાએ જણાવ્યું હતું કે ભારતમાં આતંકવાદના આરોપોનો સામનો કરી રહેલા 40 વર્ષીય વ્યક્તિ રવાંડાની રાજધાનીમાં એક નાની દુકાન ચલાવતો હતો. જો કે, રવાંડાના અધિકારીઓએ આતંકવાદી જૂથના નામની પુષ્ટિ કરી નથી.