રાજકોટમાં ભારતીય મહિલા ટીમે 435 રનની પારી રમી રંગ રાખ્યો, હાઈએસ્ટ સ્કોરમાં પુરૂષ ટીમ પાછળ
રાજકોટ: ભારતીય મહિલા ટીમે સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલની સદી સાથે ODI ઈતિહાસમાં તેનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો છે. રાજકોટમાં આયર્લેન્ડ સામે રમાઈ રહેલી ત્રીજી ODI મેચમાં ભારતે 50 ઓવરમાં 5 વિકેટે 435 રન બનાવ્યા છે, જે વન-ડે ફોર્મેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર છે. આ પહેલા ટીમે આયર્લેન્ડ સામેની બીજી વનડેમાં પાંચ વિકેટે 370 રન બનાવ્યા હતા, જે તેનો સર્વોચ્ચ સ્કોર હતો, પરંતુ બીજી જ મેચમાં ટીમે આ રેકોર્ડને પાછળ છોડી દીધો છે. આ પ્રથમ વખત છે જ્યારે ભારતીય મહિલા ટીમ વનડેમાં 400 રનનો સ્કોર પાર કરવામાં સફળ રહી છે.
ભારતીય પુરૂષ ટીમને મહિલા ટીમે પાછળ છોડી દીધી
ભારતીય મહિલા ટીમે પુરૂષ ટીમને પણ પાછળ છોડી દીધી છે. વનડેમાં ભારતીય પુરૂષ ટીમનો સર્વોચ્ચ સ્કોર 2011માં વેસ્ટ ઈન્ડિઝ સામે પાંચ વિકેટે 418 રન છે, પરંતુ મહિલા ટીમે આનાથી આગળ વધીને આયર્લેન્ડ સામે 436 રનનો વિશાળ લક્ષ્યાંક રાખ્યો છે. ભારતને આ સિદ્ધિ સુધી લઈ જવાનો શ્રેય પ્રતિકા, મંધાના અને રિચા ઘોષને જાય છે જેમણે વિસ્ફોટક ઈનિંગ્સ રમીને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.
મહિલા વન-ડે ઈતિહાસમાં ચોથો સૌથી મોટો સ્કોર
મહિલા વન-ડે ક્રિકેટમાં આ છઠ્ઠી વખત છે જ્યારે કોઈ ટીમે 400 રનનો આંકડો પાર કર્યો હોય. આ સાથે જ ભારતીય ટીમે મહિલા વનડે ઈતિહાસમાં ચોથો સૌથી વધુ કુલ સ્કોર બનાવ્યો છે. આ ફોર્મેટમાં મહિલાઓમાં સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના નામે છે, જેણે 2018માં આયર્લેન્ડ સામે ચાર વિકેટે 491 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ એવી ટીમ છે જેણે વનડેમાં ચાર વખત 400 રનનો આંકડો પાર કર્યો છે. મહિલા વનડે ક્રિકેટના ઈતિહાસમાં ટોપ ત્રણ સ્કોર ન્યૂઝીલેન્ડના નામે છે, પરંતુ ચોથા સ્થાન પર હવે ભારતીય ટીમનો કબજો છે, જેણે આ ફોર્મેટમાં પ્રથમ વખત 400 રનનો આંકડો પાર કર્યો છે.
મંધાના-પ્રતિકાની શાનદાર ભાગીદારી
આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને મંધાના અને પ્રતિકાએ ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. મંધાના અને પ્રતિકા બંનેએ સદી ફટકારી હતી. પ્રતિકા 129 બોલમાં 20 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 154 રન બનાવીને આઉટ થઈ, જ્યારે મંધાના 80 બોલમાં 12 ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી 135 રન બનાવીને આઉટ થઈ હતી. મંધાના અને પ્રતિકાએ પ્રથમ વિકેટ માટે 233 રનની ભાગીદારી કરી જે વનડેમાં ભારતીય મહિલા ટીમ માટે ત્રીજી સૌથી મોટી ભાગીદારી છે.
મંધાનાએ ભારત માટે મહિલા વનડેમાં સૌથી ઝડપી સદી ફટકારી
મંધાનાએ માત્ર 70 બોલમાં સદી ફટકારી હતી, જે ભારતીય મહિલા બેટ્સમેનની સૌથી ઝડપી સદી છે. આ મામલે મંધાનાએ હરમનપ્રીત કૌરને પાછળ છોડી દીધી, જેણે ગયા વર્ષે દક્ષિણ આફ્રિકા સામે 87 બોલમાં સદી ફટકારી હતી. મંધાનાની વનડે કારકિર્દીની આ 10મી સદી છે અને તે સૌથી વધુ સદી ફટકારનારી ત્રીજી બેટ્સમેન બની છે.