November 18, 2024

જાણો કેમ શનિવારે ખુલ્યું ભારતીય શેર બજાર?

શનિવારે માર્કેટમાં સ્પેશ્યલ ટ્રેડિંગ સેશનનું આયોજન થયું હતું.

યશ ભટ્ટ, અમદાવાદ: જો આપ શેરબજાર સાથે કોઈને કોઈ રીતે જોડાયેલા છો, તો આ શનિવાર તમારા માટે જરા અલગ હતો. દર વખતે શનિ રવિ મજા માણતા ટ્રેડર્સ માટે આજે સુર્ય કદાચ પશ્ચિમથી ઉગ્યો. કારણ, માર્કેટમાં આજે સ્પેશ્યલ ટ્રેડિંગ સેશનનું આયોજન હતું. એટલે રોકાણકારો અને આનુસંગીક સેવાઓ આપનારી કંપનીના કર્મચારીઓ આજે બીઝી હતા. કારણ હતું સેબી દ્વારા અપાયેલ ગાઈડલાઈન્સ. સેબી દ્વારા હાલમાં જ ડિઝાસ્ટર રિકવરી સાઈટના ટેસ્ટિંગ માટે ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવેલી હતી. જેના હેઠળ આ વર્ષનું આ ત્રીજું ટ્રેડિંગ સેશન હતું. આ પહેલા જાન્યુઆરી અને માર્ચમાં આ જ રીતે શનિવારે માર્કેટમાં સ્પેશ્યલ ટ્રેડિંગ સેશનનું આયોજન થયું હતું. જેમાં માત્ર બે કલાક માટે માર્કેટ ખુલે અને સર્વર બરાબર ચાલે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે. જોવાની વાત એ છે કે આવા જોખમી માર્કેટમાં પણ લોકો પૈસા કમાવવાની પૂરતી તકો શોધી લેતા હોય છે. જોખમી એટલા માટે કારણકે આ બેકઅપ સર્વર હોય છે. જો તેમાં કોઈ ગફલત થઈ તો આપના કારોબારમાં તેની કોઈ અસર થાય તે વાત સ્પષ્ટ હોય છે. આ પહેલા વર્ષ 2016 અને 17માં પણ આ જ રીતે ડિઝાસ્ટર રિકવરી સાઈટનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ ડિઝાસ્ટર રિકવરી સાઈટનું શોર્ટફોર્મ છે DRS. ક્રિકેટમાં જેમ DRSથી બાજી પલટી જતી હોય છે તેમ માર્કેટ માટે આ DRS ઓન ન થવા પર બાજી પલટવાના ચાન્સ રહે છે.

DRS ટેસ્ટીંગ એટલા માટે કરવામાં આવે છે કે આપણા દેશનું મુખ્ય ટ્રેડિંગ સેન્ટર અને સર્વર મુંબઈમાં છે. ક્યારેક ટેકનિકલ ક્ષતિ થવા સમયે આ સર્વર ઠપ્પ થવા પર લોકોને અબજો રૂપિયાનું નુકશાન થઈ શકે છે. એમાં પણ વાયદાબજારમાં કામ કરતા લોકો માટે આ સ્થિતી અતી ભયજનક બની જાય છે. આવી સ્થિતીમાં બેકઅપ સર્વરની મદદથી રોકાણકારો પોતાના સોદાને ઉલટાવવા હોય કે પોઝીશન કાપવી હોય તો આપ કરી શકો તે માટે આ સુવિધા રાખવામાં આવી છે.

આ પણ વાંચો: સોના-ચાંદીના ભાવમાં વધારો, સોનું પહોંચ્યું 75 હજારને પાર

આ માટે આજે બે કલાક માટે શેર બજાર શરૂ કરવામાં આવ્યું હતું. તે બે સેગમેન્ટમાં વીભાજીત હતું પહેલું સવારે 9.15 વાગ્યાથી 10 વાગ્યા સુધી શરૂ રહ્યું. જ્યારે બીજું 11.30થી 12.30 વાગ્યા સુધી. આમાંથી પ્રથમ સેશન નોર્મલ ટ્રેડિંગ સર્વર પરથી જ થયું હતું. જ્યારે બીજું સેશન ડિઝાસ્ટર રિકવરી સાઈટ પરથી ચલાવવામાં આવ્યું હતું. આ માટે દરેક સિક્યોરિટી અને ડેરીવેટીવ્ઝ પ્રોડક્ટ્સ ઉપ્લબ્ધ કરવામાં આવી હતી. જેની મેક્સીમમ 5 ટકા પ્રાઈઝ બેન્ડ નક્કી થઈ હતી. મતલબ કે નિફ્ટી હોય કે કોઈ શેર તેના ગઈકાલના બંધ ભાવથી આજે 5 ટકા વધી કે 5 ટકા ઘટી શકે. પરંતુ તે બાદ તે શેરના ભાવ લોક થઈ જાય. આ પ્રકારે લિમીટ નક્કી કરવામાં આવી હતી. અમુક શેરના ભાવ પર પહેલાથી જ 2 ટકાની લિમીટ હોય છે. તેમની લિમીટને 2 ટકા પર જ યથાવત રાખવામાં આવી હતી.

આજના કારોબારમાં માર્કેટમાં શું થયું. આજે માર્કેટ નાની રેન્જમાં રહ્યા. સોમવારે મુંબઈ સહીત મહત્વના ક્ષેત્રોમાં મતદાન થવા જઈ રહ્યું છે. જેના પર માર્કેટ ખાસ્સો દારોમદાર ધરાવે છે. આથી માર્કેટ આજે નર્વસ જોવા મળ્યા. આજના દિવસે 35 પોઈન્ટ વધીને નિફ્ટી 22502 પર બંધ થયો. જ્યારે બેન્ક નિફ્ટી 83 પોઈન્ટ વધીને 48199 પર બંધ આવ્યો. સેન્સેક્સ 88 પોઈન્ટ વધીને 74005 પર બંધ આવ્યો.

ટુંકમાં આજનું સ્પેશ્યલ સેશન કઈ ખાસ અસર પાડી શક્યું નથી. પરંતુ આજે માર્કેટમાં સોમવારની રજા પહેલા શનિવારે તોફાન પહેલાની શાંતી જોવા મળી હતી.