પ્રખ્યાત કોરિયોગ્રાફર પર યૌન શોષણનો આરોપ, ભારત સરકારની નેશનલ એવોર્ડ પરત લેવાની જાહેરાત
નવી દિલ્હીઃ દક્ષિણ ભારતીય અને બોલિવૂડ સ્ટાર્સને આંગળીઓ પર ડાન્સ કરાવનારા પ્રખ્યાત કોરિયોગ્રાફર જાની માસ્ટર બળાત્કારના આરોપમાં 19 સપ્ટેમ્બરથી જેલમાં છે. ‘થિરુચિત્રમ્બલમ’ના ગીત મેઘમ કારુકકથા માટે તેમને બેસ્ટ કોરિયોગ્રાફી કેટેગરીમાં નેશનલ એવોર્ડ મળવાનો હતો, પરંતુ હવે બળાત્કારના આરોપમાં જેલમાં રહેલા જાની માસ્ટરનો એવોર્ડ પાછો ખેંચી લેવામાં આવ્યો છે.
શુક્રવારે માહિતી અને પ્રસારણ મંત્રાલયના રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સેલે એક નિવેદન બહાર પાડ્યું છે કે, જાની માસ્ટર માટેનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ડેપ્યુટી ડાયરેક્ટર ઈન્દ્રાણી બોઝ દ્વારા હસ્તાક્ષર કરાયેલા પત્રમાં લખ્યું છે કે, ‘આરોપની ગંભીરતા અને કોર્ટમાં પેન્ડિંગ કેસને ધ્યાનમાં લઈને વર્ષ 2022 માટે શ્રી શેખ જાનીના શ્રેષ્ઠ કોરિયોગ્રાફી માટેના રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.’
નેશનલ ફિલ્મ એવોર્ડ સેલે જાની માસ્ટર તરફથી 8 ઓક્ટોબરે દિલ્હીમાં યોજાનારા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહનું આમંત્રણ પણ પાછું ખેંચી લીધું છે. ઉલ્લેખનીય છે કે, કોરિયોગ્રાફર જાની માસ્ટરને આ અઠવાડિયે વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. જેથી તેઓ નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહમાં હાજરી આપી શકે. પરંતુ હવે તેમની પાસેથી આમંત્રણ અને પુરસ્કાર બંને પરત લેવામાં આવ્યા છે.
કોરિયોગ્રાફર જાની માસ્ટરની 19 સપ્ટેમ્બરે ગોવામાં ધરપકડ કરવામાં આવી હતી અને તેને 14 દિવસની કસ્ટડી આપવામાં આવી હતી. ગોવામાં ધરપકડ કરીને હૈદરાબાદ લાવવામાં આવ્યો હતો. તેને શહેરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.