September 12, 2024

Cricket Awards: રોહિત શર્મા અને રાહુલ દ્રવિડ પર એવોર્ડની વર્ષા, વિરાટ-અશ્વિન પણ છવાયા

Ceat Cricket Awards: મુંબઈમાં બુધવારે આયોજિત ‘CEAT ક્રિકેટ રેટિંગ એવોર્ડ્સ 2023-24’ સમારોહમાં ભારતના ઘણા અગ્રણી ક્રિકેટરોએ હાજરી આપી હતી. ઘણા દિગ્ગજોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ફરી એકવાર રોહિત અને દ્રવિડની જુગલબંધી જોવા મળી હતી. બંનેને ફરીથી સાથે જોઈને ચાહકો રોમાંચિત થઈ ગયા હતા. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને ‘મેન્સ ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર’ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો, જ્યારે ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડને ‘લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો.

ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીને ઈવેન્ટમાં ‘મેન્સ વન-ડે બેટ્સમેન ઓફ ધ યર’ જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે 2023 ક્રિકેટ વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર મોહમ્મદ શમીને ‘વન-ડે બોલર ઑફ ધ યર’ જાહેર કરવામાં આવ્યો હતો.

આ સમારોહમાં યશસ્વી જયસ્વાલને ‘મેન્સ ટેસ્ટ બેટર ઑફ ધ યર’ અને આર અશ્વિનને ‘વર્ષનો મેન્સ ટેસ્ટ બોલર’ જાહેર કરવામાં આવ્યો હતો. BCCI સેક્રેટરી જય શાહ જેમને સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેશનમાં શ્રેષ્ઠતા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે ભારતીય ટીમ ભવિષ્યમાં વધુ ટ્રોફી હાંસલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

તેમણે કહ્યું,’જેમ કે મેં તમને રાજકોટમાં કહ્યું હતું કે અમે બાર્બાડોસમાં આપણો તિરંગો ફરકાવવાના છીએ અને અમારા કેપ્ટને તે કર્યું. જો આપણને 1.4 અબજ લોકોના આશીર્વાદ મળે તો આપણે ચેમ્પિયન્સ ટ્રોફી, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ અને મહિલા ટી-20 વર્લ્ડ કપમાં પણ આવું જ કરી શકીએ છીએ.

ગત સિઝનમાં રણજી ટ્રોફીની ફાઇનલમાં પોતાની ટીમનું નેતૃત્વ કરનાર તમિલનાડુના કેપ્ટન આર સાઈ કિશોરને ‘ડોમેસ્ટિક ક્રિકેટર ઑફ ધ યર’ જાહેર કરવામાં આવ્યો હતો. ન્યૂઝીલેન્ડના ટિમ સાઉદીને ‘મેન્સ ટી-20 બોલર ઑફ ધ યર’ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. જ્યારે ઈંગ્લેન્ડના ફિલ સોલ્ટને સૌથી ટૂંકા ફોર્મેટમાં ‘બાસમેન ઑફ ધ યર’ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને ટી-20 ઈતિહાસમાં સૌથી વધુ મેચોમાં દેશનું નેતૃત્વ કરવા બદલ મેમો આપવામાં આવ્યો હતો, જ્યારે તેની ડેપ્યુટી અને ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાનાને ‘મહિલા ભારતીય બેટ્સમેન ઓફ ધ યર’ તરીકે પસંદ કરવામાં આવી હતી. દીપ્તિ શર્માને ‘ભારતીય બોલર ઓફ ધ યર’ તરીકે પસંદ કરવામાં આવી હતી.

ઓપનિંગ બેટ્સમેન શેફાલી વર્માને મહિલા ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવા બદલ સ્મૃતિચિહ્ન આપવામાં આવ્યું હતું. તેણે આ વર્ષની શરૂઆતમાં ચેન્નાઈ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકા સામે 194 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી. આ વર્ષની શરૂઆતમાં કોલકાતા નાઈટ રાઈડર્સનું ત્રીજું આઈપીએલ ખિતાબ જીતનાર શ્રેયસ ઐયરને પણ ‘ઉત્તમ નેતૃત્વ’ માટે મેમો આપવામાં આવ્યો હતો.