ભારત આગામી 24-36 કલાકમાં કરશે સૈન્ય કાર્યવાહી: પાકિસ્તાન

Pakistan: કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાન પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. પાકિસ્તાન પોતે કહી રહ્યું છે કે ભારત 36 કલાકની અંદર તેની સામે સૈન્ય કાર્યવાહી કરી શકે છે અને તેને આ અંગે બાતમી મળી છે. પાકિસ્તાનના માહિતી પ્રધાન અતાઉલ્લાહ તરારે મંગળવારે મોડી રાત્રે, 29 એપ્રિલના રોજ જણાવ્યું હતું કે “વિશ્વસનીય ગુપ્તચર” અહેવાલો અનુસાર ભારત વધતા તણાવ વચ્ચે આગામી 24 થી 36 કલાકમાં પાકિસ્તાન વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી કરવાની યોજના બનાવી રહ્યું છે.

પાકિસ્તાન તરફથી આ ભયજનક અવાજ એવા સમયે આવી રહ્યો છે જ્યારે આ પહેલા મંગળવારે પીએમ મોદીએ કાશ્મીરમાં ઘાતક હુમલાનો જવાબ આપવા માટે સેનાને ફ્રી હેન્ડ આપ્યો હતો. મંગળવારે પીએમ આવાસ પર આયોજિત બેઠક બાદ પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું કે આતંકવાદને સંપૂર્ણ રીતે નાબૂદ કરવો એ આપણી રાષ્ટ્રીય પ્રતિબદ્ધતા છે. તેમણે ભારતીય સશસ્ત્ર દળોની ક્ષમતામાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો. વડાપ્રધાને કહ્યું કે સશસ્ત્ર દળોને જવાબી કાર્યવાહીની પદ્ધતિ, કયા સ્થાન પર હુમલો કરવો અને કયા સમયે કરવું તે નક્કી કરવાનો સંપૂર્ણ અધિકાર આપવામાં આવ્યો છે.

પીએમ મોદીના નિવેદનના કલાકો પછી મીડિયા સાથે વાત કરતા પાકિસ્તાની મંત્રી તરારે કહ્યું: “પાકિસ્તાન પાસે વિશ્વસનીય ગુપ્ત માહિતી છે કે ભારત પહલગામ ઘટનામાં ભારતની સંડોવણીના પાયાવિહોણા અને બનાવટી આરોપોના બહાના હેઠળ આગામી 24-36 કલાકમાં પાકિસ્તાન વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી કરવા માંગે છે.” તેમણે કહ્યું કે “ભારત પોતે જ આ ક્ષેત્રમાં ન્યાયાધીશ, જ્યુરી અને જલ્લાદની ઘમંડી ભૂમિકા ભજવી રહ્યું છે” અને પાકિસ્તાન આને સખત રીતે નકારે છે.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાંથી 3 લોકોની ધરપકડ, હથિયારો અને દારૂગોળો જપ્ત

તરારે કહ્યું, “પાકિસ્તાન પોતે આતંકવાદનો શિકાર રહ્યું છે અને આ હાલાકીની પીડાને સાચી રીતે સમજે છે… વિશ્વમાં ક્યાંય પણ તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં હંમેશા તેની નિંદા કરી છે.” તેમણે કહ્યું કે એક જવાબદાર દેશ હોવાને કારણે, પાકિસ્તાને સત્યને બહાર લાવવા માટે નિષ્ણાતોના તટસ્થ કમિશન દ્વારા વિશ્વસનીય, પારદર્શક અને સ્વતંત્ર તપાસની ઓફર કરી છે. કાશ્મીરમાં આ કાયરતાપૂર્ણ હુમલા બાદ ભારત સુપર એક્ટિવ મોડમાં છે. ભારત આતંકવાદીઓ અને તેમનું સમર્થન કરનારાઓને ન્યાયના કઠેડામાં લાવવા માટે દરેક સંભવિત પગલાં લેવા તૈયાર છે.