January 10, 2025

ભારત ખરીદશે 26 રાફેલ ફાઈટર એરક્રાફ્ટ, 3 સ્કોર્પિન સબમરીન માટે પણ થશે ડીલ

Scorpene Submarine: ભારતીય નૌકાદળની તાકાતમાં મોટો વધારો થવા જઈ રહ્યો છે. ભારત ટૂંક સમયમાં નેવી માટે 26 રાફેલ ફાઈટર એરક્રાફ્ટની ખરીદીની પુષ્ટિ કરવા જઈ રહ્યું છે. આ સાથે વધુ ત્રણ સ્કોર્પિન સબમરીન માટે પણ ડીલ થવા જઈ રહી છે. ભારતીય નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ આ અંગે માહિતી આપતા કહ્યું, આવતા મહિને એટલે કે જાન્યુઆરીમાં જ 26 રાફેલ ફાઈટર પ્લેન અને ત્રણ સ્કોર્પિન સબમરીન ખરીદવા માટે અલગ-અલગ કરાર થઈ શકે છે.

ચીન અને પાકિસ્તાનની નૌકાદળ પર નજર
4 ડિસેમ્બરે ઉજવવામાં આવતા ભારતીય નૌકાદળ દિવસ પહેલા મીડિયા સાથે વાતચીત કરતી વખતે નેવી ચીફ એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ કહ્યું છે કે ભારત ચીન અને પાકિસ્તાનની નૌકાદળની ગતિવિધિઓ પર નજીકથી નજર રાખી રહ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે આ મહિને નહીં તો આવતા મહિને રાફેલ ફાઈટર એરક્રાફ્ટ અને સબમરીન માટેની ડીલ ફાઈનલ થઈ જશે અને તેના પર હસ્તાક્ષર થઈ જવા જોઈએ.

બે પરમાણુ સબમરીન પણ મંજૂર
નેવી ચીફે બીજી એક મહત્વની માહિતી આપી છે કે કેન્દ્ર સરકારે પણ બે પરમાણુ સંચાલિત સબમરીન માટે મંજૂરી આપી દીધી છે. આવી કુલ 6 સબમરીન બનાવવાનું આયોજન છે. નેવી ચીફે કહ્યું છે કે ન્યુક્લિયર એનર્જી પર કામ કરતી પહેલી સબમરીન 2036-37 સુધીમાં અને બીજી 2038-39 સુધીમાં તૈયાર થઈ જશે.

62 જહાજો અને એક સબમરીન બનાવવામાં આવી રહી છે
ગયા વર્ષે જ ફ્રાન્સ પાસેથી રાફેલ-એમ જેટની ખરીદીને ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આ એરક્રાફ્ટ મુખ્યત્વે ભારતના સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત પર તૈનાત કરવામાં આવશે. નેવી ચીફ એડમિરલ ત્રિપાઠીએ કહ્યું છે કે આ બંને દેશોની સરકારો વચ્ચેનો કરાર છે, તેથી તેમાં વધુ સમય લાગશે નહીં. આ સાથે તેમણે એ પણ જણાવ્યું કે ભારતીય નૌકાદળની ક્ષમતા વધારવા માટે હાલમાં 62 જહાજો અને એક સબમરીનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.