December 23, 2024

ભારતને એક વૈશ્વિક મહાશક્તિ કહેવું જોઈએ: રશિયન રાષ્ટ્રપતિ પુતિન

Russian President Vladimir Putin: રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર ભારતના વખાણ કર્યા છે. તેમણે કહ્યું છે કે ભારત અને રશિયા વચ્ચે સહયોગ સતત વધી રહ્યો છે. પુતિને ભારતને એક મહાન દેશ ગણાવ્યો અને કહ્યું કે ભારતની આર્થિક પ્રગતિ અને તેની વિશાળતાને ધ્યાનમાં રાખીને તેને વૈશ્વિક મહાશક્તિઓની યાદીમાં સામેલ કરવું જોઈએ. પુતિને રશિયાના સોચી શહેરમાં વાલ્ડાઈ ડિસ્કશન ક્લબ નામની ઈવેન્ટમાં પોતાના સંબોધન દરમિયાન આ વાત કહી.

સતત વિકસિત રહ્યા છે ભારત અને રશિયાના સંબંધો
પુતિને પોતાના સંબોધનમાં કહ્યું કે ‘અમે ભારત સાથે અમારા સંબંધો વિવિધ ક્ષેત્રોમાં વિકસિત કરી રહ્યા છીએ. ભારત એક મહાન દેશ છે. આર્થિક વૃદ્ધિની દ્રષ્ટિએ તે મુખ્ય અર્થવ્યવવસ્થાઓમાં પણ અગ્રણી છે. ભારતનો GDP 7.4 ટકાના દરે વધી રહ્યો છે. રશિયા અને ભારત વચ્ચે દર વર્ષે સહકાર વધી રહ્યો છે. પુતિને સોવિયત સંઘના સમયથી ભારત સાથેના રશિયાના સંબંધો વિશે વાત કરી અને બંને દેશો વચ્ચેના સંબંધોને ખૂબ જ ખાસ ગણાવ્યા. પુતિને કહ્યું કે ભારતની આઝાદીમાં સોવિયત સંઘે પણ ભૂમિકા ભજવી હતી.

પુતિને કહ્યું કે ‘ભારતને વૈશ્વિક મહાસત્તાઓની યાદીમાં સામેલ કરવું જોઈએ. તે દોઢ અબજ લોકોનો દેશ છે અને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંનો એક છે. તેની સંસ્કૃતિ ખૂબ જ પ્રાચીન છે અને ભવિષ્યમાં વિકાસની અપાર સંભાવનાઓ ધરાવે છે.

સંરક્ષણ ક્ષેત્રમાં પણ સહયોગ
રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત અને રશિયા સંરક્ષણ ક્ષેત્રમાં પણ સહયોગ વધારી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારતીય દળો પાસે ઘણા રશિયન હથિયારો છે. આ બંને દેશો વચ્ચેનો વિશ્વાસ દર્શાવે છે. આપણે આપણાં શસ્ત્રો માત્ર ભારતને જ વેચતા નથી પરંતુ અમે સાથે મળીને તેને ડિઝાઇન પણ કરીએ છીએ. ઉલ્લેખનીય છે કે ભારત અને રશિયાએ સંયુક્ત રીતે બ્રહ્મોસ મિસાઈલ વિકસાવી છે. બ્રહ્મોસનું નામ ભારતની બ્રહ્મપુત્રા અને રશિયાની મોસ્કવા નદીના નામને જોડીને રાખવામાં આવ્યું છે. આ મિસાઈલ ભારતના DRDO અને રશિયાના NPO દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે.