ભારત અને પાકિસ્તાને પરમાણુ સ્થાપનોની યાદીની આપલે કરી, MEAએ આપી માહિતી
India pakistan relations: ભારત અને પાકિસ્તાને બુધવારે તેમના પરમાણુ સ્થાપનોની યાદીની આપલે કરી હતી. આ વિનિમય બંને દેશો વચ્ચેના કરાર હેઠળ કરવામાં આવ્યો છે. આ સમજૂતી બંને દેશોને એકબીજાની પરમાણુ સુવિધાઓ પર હુમલો કરતા અટકાવે છે અને તે ત્રણ દાયકાથી ચાલી આવતી પરંપરાનો એક ભાગ છે.
વિદેશ મંત્રાલય (MEA) એ કહ્યું કે આ આપલે પરમાણુ સ્થાપનો અને સુવિધાઓ પર હુમલાને રોકવા માટે કરાર હેઠળ કરવામાં આવ્યો હતો. આ યાદી નવી દિલ્હી અને ઈસ્લામાબાદમાં એક સાથે રાજદ્વારી ચેનલો દ્વારા શેર કરવામાં આવી હતી. દર વર્ષે 1 જાન્યુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે આ સૂચિની આપ-લે થાય છે અને બંને દેશોએ એકબીજાને જાણ કરવાની હોય છે કે તેમના પરમાણુ સ્થાપનો અને સુવિધાઓ આ કરારના દાયરામાં છે.
કરારનો ઇતિહાસ શું છે
આ કરાર પર બંને દેશોએ 31 ડિસેમ્બર 1988ના રોજ હસ્તાક્ષર કર્યા હતા. તેનો અમલ 27 જાન્યુઆરી 1991ના રોજ થયો હતો. આ સમજૂતીનો હેતુ બંને દેશો વચ્ચેના પરમાણુ સ્થાપનોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે, જેથી પરમાણુ યુદ્ધ કે હુમલાની શક્યતાઓ ઘટાડી શકાય. ભારત અને પાકિસ્તાન વચ્ચે આ 34મી વખત યાદીની આપ-લે થઈ છે. આ વિનિમય 1 જાન્યુઆરી, 1992 થી સતત થઈ રહ્યો છે.
તણાવપૂર્ણ સંબંધો વચ્ચે સૂચિ વિનિમય
તાજેતરના વર્ષોમાં કાશ્મીરના વિવાદ અને સરહદ પારના આતંકવાદ જેવા મુદ્દાઓને કારણે બંને દેશો વચ્ચેના સંબંધો વણસેલા છે. તેમ છતાં, આ સૂચિની આપ-લે કરવામાં આવી હતી, જે સમજૂતી અને સુરક્ષા પ્રત્યે બંને દેશોની પ્રતિબદ્ધતા દર્શાવે છે.