ચીને માલદિવને ફસાવ્યું, ચાલુ થયા ખરાબ દિવસો
નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતથી અંતર વધારનારા માલદિવના ખરાબ દિવસો ચાલુ થઈ ગયા છે. ચીનની નજીક જતાં જ આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે માલદિવને મોટી ચેતવણી આપી છે. માલદિવે ચીન પાસેથી મોટી રકમ ઉધાર લીધી છે. તેનાથી તે ચીનની જાળમાં ફસાઈ ગયું છે. આ દરમિયાન, આઇએમએફે ચેતવણી આપતા કહ્યુ છે કે, માલદિવ ઋણસંકટના મોટા જોખમમાં છે. ઉલ્લેખનીય છે કે, માલદિવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુએ દેશમાંથી ભારતીય સેના બહાર કાઢવા માટે અલ્ટિમેટમ આપ્યું છે. ત્યાં જ ચીને માલદિવને વધુ રૂપિયા આપવાનું વચન આપ્યું છે. છેલ્લા કેટલાક દશકોમાં ચીને પાકિસ્તાન, શ્રીલંકા સહિત કેટલાક દેશોને મોટા પ્રમાણમાં રકમ આપી દેવાદાર બનાવી દીધા છે. તેના કારણે તે દેશોની ઇકોનોમીની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે.
આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે માલદિવને વિદેશી ઋણની જાણકારી તો નહીં આપી, પરંતુ કહ્યુ છે કે, તાત્કાલિક નીતિ સમાયોજનની જરૂર છે. આઇએમએફે માલદિવની અર્થવ્યવસ્થાની સમીક્ષા પછી કહ્યુ છે કે, ‘મહત્વપૂર્ણ નીતિગત બદલાવ વગર કુલ રાજકોષીય ખોટ અને સાર્વજનિક ઋણ વધવાની સંભાવના છે. માલદિવમાં વિદેશી અને સમગ્ર ઋણ સંકટનું મોટું જોખમ છે.’ માલદિવમાં ભારત સહિત દુનિયાભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. પર્યટન માલદિવની અર્થવ્યવસ્થાનો લગભગ એક તૃતીયાંશ ભાગ છે. જ્યારે સુવ્યવસ્થિત એરપોર્ટ વિસ્તાર અને હોટલના વધારાથી વિકાસને વેગ મળવાની શક્યતા છે.
માલદિવના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન, જેમણે 2018 સુધીમાં પાંચ વર્ષ સુધી શાસન કર્યું હતું અને પરિયોજનાઓ માટે બેઇજિંગ પાસેથી મોટા પ્રમાણમાં ઉધાર લીધું હતું. વિશ્વ બેન્ક પ્રમાણે, માલદિવે 2021માં તેના 3 બિલિયન ડોલર કરતાં વધુ વિદેશી દેવાની 42 ટકા રકમ ચીનને પાછી આપવાની બાકી છે. મોહમ્મદ મુઇજ્જુએ તાજેતરમાં જ ચીનની મુલાકાત લીધી હતી અને ત્યાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં પર્યટન સહિત 20 કરાર પર બંને દેશ વચ્ચે સહમતિ સધાઈ હતી.
માલદિવમાંથી વિદેશી સૈન્ય ટુકડીઓને જલદી પાછી મોકલવામાં આવશે
ત્યાં માલદિવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુએ બુધવારે કહ્યુ હતુ કે, માલદિવ પોતાની રક્ષાક્ષમતા વધારીને ઝડપથી એ કક્ષાએ પહોંચી જશે કે, વિદેશી સૈન્યની ટુકડીઓની જરૂર નહીં પડે. તેમણે કેટલાક સપ્તાહ પહેલાં ભારત પાસે માગ કરી હતી કે, તેઓ માલદિવમાંથી પોતાની ટુકડીને પાછી બોલાવી લે. ભારત વિરોધી વલણ અપનાવીને સત્તામાં આવેલા મુઇજ્જુએ એક દિવસ પહેલાં ઘોષણા કરી હતી કે, માલદિવ પાણીમાં સર્વેક્ષણ કરવા માટે ક્ષમતાઓ વધારા સિવાય સમુદ્રી, હવાઈ અને સ્થાનિક ક્ષેત્રો સહિત તેના તમામ ક્ષેત્રો પર સ્વાયત્ત નિયંત્રણ બનાવી રાખશે. ચીન સમર્થક નેતા તરીકે જોવામાં આવતા મુઇજ્જુને રાષ્ટ્રપતિ પદે આવ્યા બાદ તેમના પ્રથમ સંબોધનમાં કહ્યુ હતુ કે, ભારતીય સૈન્ય કર્મીઓના પહેલા સમૂહને 10મી માર્ચ પહેલાં માલદિવથી રવાના કરવામાં આવશે અને બાકીની બે હવાઇ પ્લેટફોર્મ પર તહેનાત સૈન્ય કર્મીઓને 10 મે પહેલાં પાછા મોકલવામાં આવશે.