February 15, 2025

Trump-Modi Meet: ભારત અને અમેરિકા આતંકવાદ સામે વધુ મજબૂતીથી લડશે

Trump Modi Meeting: સમગ્ર વિશ્વની નજર PM નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત પર હતી. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં સરહદ પાર આતંકવાદ અંગે મોટી જાહેરાત કરવામાં આવી. જેના કારણે ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન પણ ચોંકી ગયું છે. પીએમ મોદી અને ટ્રમ્પે કહ્યું હતું કે, ‘ભારત અને અમેરિકા કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદનો સામનો કરવા માટે પહેલા કરતાં વધુ મજબૂતાઈથી સાથે મળીને કામ કરશે.’ PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સંયુક્ત નિવેદનમાં પાકિસ્તાનને ખાતરી કરવા આહ્વાન કરી છે કે તેની જમીનનો ઉપયોગ સરહદ પારના આતંકવાદી હુમલાઓ માટે થવો જોઈએ નહીં.

ટ્રમ્પ-મોદીના નિવેદનથી નારાજ પાકિસ્તાન
બંને નેતાઓની આ પ્રતિક્રિયાથી પાકિસ્તાન ગુસ્સે છે, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ એમ પણ કહ્યું કે ભારત-અમેરિકા સંયુક્ત નિવેદનમાં પાકિસ્તાનનો ઉલ્લેખ એકપક્ષીય, ભ્રામક અને રાજદ્વારી ધોરણોની વિરુદ્ધ છે. આ મામલે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા શફકત અલી ખાને કહ્યું કે પાકિસ્તાન પોતાના બલિદાનને સ્વીકાર્યા વિના આવી ટિપ્પણીઓનો સમાવેશ કરવાથી આશ્ચર્યચકિત છે.

તહવ્વુર રાણાને ભારત પ્રત્યાર્પણ કરવાની મંજૂરી
એક દિવસ પહેલા, ભારતે એક મોટી રાજદ્વારી જીત મેળવી, જ્યારે ટ્રમ્પ 26-11 આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાને ન્યાયનો સામનો કરવા માટે પ્રત્યાર્પણ કરવા સંમત થયા હતા, જે ભારતની લાંબા સમયથી માંગ હતી. આ નિર્ણયની જાહેરાત અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે પીએમ મોદીની હાજરીમાં કરી હતી. ટ્રમ્પે કહ્યું, ‘મારા વહીવટીતંત્રે ભારતમાં ન્યાયનો સામનો કરવા માટે વિશ્વના સૌથી ખરાબ લોકોમાંના એક તહવ્વુર રાણાના પ્રત્યાર્પણને મંજૂરી આપી છે.’

પીએમ મોદીએ ટ્રમ્પનો આભાર માન્યો
પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક રાણાને લોસ એન્જલસના એક ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. રાણાના પ્રત્યાર્પણ બદલ ટ્રમ્પનો આભાર માનતા, પીએમ મોદીએ ભાર મૂક્યો કે સરહદ પારના આતંકવાદને સમાપ્ત કરવા માટે સંયુક્ત કાર્યવાહી જરૂરી છે. બંને નેતાઓના સંયુક્ત નિવેદનમાં, અલ-કાયદા, ઇસ્લામિક સ્ટેટ, જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી જૂથોને સૌથી મોટો ખતરો ગણાવવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, પહેલા ઝટકા તરીકે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે પાકિસ્તાનમાં પ્રોજેક્ટ્સ માટે 845 મિલિયન યુએસ ડોલરનું ભંડોળ સ્થગિત કરી દીધું છે.