December 23, 2024

INDIA ગઠબંધન આજે ‘શિવતીર્થ’થી ચૂંટણીનું બ્યુગલ ફૂંકશે

INDIA Rally in Mumbai: લોકસભા ચૂંટણી (Lok Sabha Election-2024)ની તારીખો જાહેર થયા બાદ વિપક્ષ ‘INDIA’ ગઠબંધને તેની તૈયારીઓ તેજ કરી દીધી છે. મુંબઈના શિવાજી પાર્ક (શિવતીર્થ) મેદાનમાં રવિવારે ‘INDIA’ ગઠબંધનની મહારેલી યોજાવા જઈ રહી છે. જેમાં રાહુલ ગાંધી, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, એમકે સ્ટાલિન સહિત અનેક વરિષ્ઠ વિપક્ષી નેતાઓ સામેલ થશે. કોંગ્રેસનો દાવો છે કે આ મહારેલીમાં બે લાખથી વધુ લોકો એકઠા થશે.

નોંધનીય છે કે રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ શનિવારે મુંબઈમાં પૂરી થઈ છે. કોંગ્રેસ સાંસદ ગાંધીએ મુંબઈના ધારાવીમાં ગઈકાલે રાત્રે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ની 70મી અને છેલ્લી જાહેર સભાને સંબોધી હતી. મણિપુરથી શરૂ થયેલી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ 16 માર્ચે મુંબઈ પહોંચી હતી. રાહુલ ગાંધીએ 63 દિવસમાં 6700 કિમીનો પ્રવાસ કર્યો. આ યાત્રા 14 જાન્યુઆરીએ સંઘર્ષગ્રસ્ત મણિપુરથી શરૂ થઈ હતી.

2 લાખ લોકો એકઠા થશે
કોંગ્રેસના નેતા ચરણ સિંહ સપરાએ કહ્યું કે, ‘INDIA જૂથની મેગા રેલી આજે મુંબઈના છત્રપતિ શિવાજી પાર્કમાં યોજાશે. જેમાં બે લાખથી વધુ લોકો ભાગ લેશે. રેલીમાં ઈન્ડિયા એલાયન્સ પાર્ટીઓના તમામ નેતાઓ ભાગ લેશે અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આવશે. INDIA ગઠબંધન અહીંથી ચૂંટણીનું રણશિંગુ ફૂંકશે.

આ દિગ્ગજ નેતઓ ભાગ લેશે
મળતી માહિતી મુજબ, તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન, શિવસેના (યુબીટી) અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, એનસીપી (SP)ના વડા શરદ પવાર, આરજેડી નેતા અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને સમાજવાદી પાર્ટી (સપા)ના વડા અખિલેશ યાદવ આજે મહારેલીમાં ભાગ લેશે. આ ઉપરાંત આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સૌરભ ભારદ્વાજ, CPIના મહાસચિવ દીપાંકર ભટ્ટાચાર્ય, નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા, ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેન અને પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેન પણ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે વિપક્ષની મેગા રેલી આગામી લોકસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાતના એક દિવસ બાદ થઈ રહી છે. લોકસભા ચૂંટણી 2024 માટે 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં મતદાન થશે અને 4 જૂને મતગણતરી થશે.