December 23, 2024

INDIA ગઠબંધનને AAPનો વધુ એક ઝટકો

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા INDIA ગઠબંધનની મુશ્કેલીઓ વધી છે. મળતી માહિતી અનુસાર, આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણીને લઈને આસામમાં ઉમેદવારની જાહેરાત કરી છે. મહત્વનું છે કે, આ પહેલાં આમ આદમી પાર્ટીએ પંજાબ અને ગુજરાતમાં પણ ઉમેદવારની જાહેરાત કરી છે. આ સાથે પંજાબમાં એકલા દમ પર ચૂંટણી લડવાની વાત કરી છે.

સુત્રો અનુસાર, આસામમાં બેઠકની વહેંતણઈને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે થોડા સમય પહેલા વાત થઈ હોવાના સમાચાર પણ વહેતા થયા છે. હવે જે રીતે આમ આદમી પાર્ટી તરફથી ત્રણ ઉમેદવારોની જાહેરાત થઈ છે. તે કોંગ્રેસ માટે એક મોટા ઝટકાની સમાન છે. મહત્વનું છે કે, આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ત્રણ ઉમેદવારોના નામની જાહેરાત યૂટ્યૂબ ચેનલ પર એક વીડિયો શેર કરીને કરી છે.

થોડા દિવસો પહેલા પંજાબના સીએમ ભગવંત મને પણ ચૂંટણીને લઈને જાહેરાત કરતા કહ્યું હતું કે અમે કોંગ્રેસની સાથે પંજાબમાં ગઠબંધન નહીં કરીએ. પાર્ટી તમામ 13 બેઠકો પર ચૂંટણી લડશે. આ 13 બેઠકો માટે 40 નામો પર વિચારણા ચાલી રહી છે. ઉમેદવારોના સર્વે ચાલી રહ્યા છે. આ સાથે જ ઈન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસની સાથે તાલમેલને લઈને બધું બરાબર નથી ચાલી રહ્યું.

આપ પાર્ટીએ પંજાબમાં કોંગ્રેસની સાથે ગઠબંધન કરવાથી ના કહી દીધી છે. મહત્વનું છે કે, કોંગ્રેસ, ટીએમસી અને આમ આદમી પાર્ટી આ ત્રણે પાર્ટીઓ ઈન્ડિયા ગઠબંધનનો એક ભાગ છે. જે લોકસભા ચૂંટણીમાં એક સાથે મળીને BJP વિરૂદ્ધ લડાઈ લડવાના હતા, પરંતુ રાજ્યોમાં તેમના રસ્તાઓ અલગ અલગ થઈ ગયા છે. થોડા દિવસ પહેલા મમતા બેનર્જી અને આમ આદમી પાર્ટીના નિર્ણય પરથી લાગી રહ્યું છેકે INDAI ગઠબંધનમાં બધું બરાબર તો નથી ચાલી રહ્યું.