દેશના 24 એરપોર્ટ-ટર્મિનલને ઉડાવવાની ધમકી, ટેરરિસ્ટ-111 નામથી મેઇલ આવ્યો
નવી દિલ્હીઃ દેશભરના 24 એરપોર્ટ અને ટર્મિનલ પર હુમલાની ધમકી આપવામાં આવી છે. ટેરરિસ્ટ 111 નામની સંસ્થા દ્વારા આ ધમકી આપવામાં આવી છે. આ ધમકી સંસ્થા દ્વારા ઈમેલ ઘણાં લોકોને કરવામાં આવ્યા છે. ત્યારબાદ એરપોર્ટ અને ટર્મિનલ પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. ટોચની સાયબર સુરક્ષા અને IT એજન્સીઓ શંકાસ્પદ ઈમેલનો સ્ત્રોત શોધવામાં વ્યસ્ત છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોમવારે સવારે લગભગ 9.30 વાગ્યે એક શંકાસ્પદ ઈમેલ મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ નાગપુર શહેરના પોલીસ કમિશનર રવિન્દ્ર સિંઘલ અને તેમની ટીમ તાત્કાલિક એરપોર્ટ પર પહોંચી અને ઉચ્ચ અધિકારીઓને એલર્ટ કરી દીધા હતા. બ્લાસ્ટ ડિટેક્શન અને ડિટોનેશન ટીમો તૈનાત કરવામાં આવી હતી.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે, ‘અમે એ સુનિશ્ચિત કરીશું કે દરેક જગ્યાએ લોહી હોય અને અમે શક્ય તેટલા લોકોને મારવા માગીએ છીએ.’ ઈમેલમાં કહેવામાં આવ્યું હતું કે, તેની પાછળ ટેરરિસ્ટ 111 નામના સંગઠનનો હાથ છે. કેટલાક વિમાનોમાં બોમ્બ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો.
ઈમેલ મળ્યા બાદ તમામ એરપોર્ટ અને વિવિધ સંસ્થાઓમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી હતી. જેના કારણે સીઆઈએસએફને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે, ઝીણવટભરી તપાસ બાદ જ્યારે કોઈ ધમકી મળી નથી ત્યારે સુરક્ષા અધિકારીઓ માની રહ્યા છે કે, આ કોઈ પાગલનું કામ હતું. શંકાસ્પદને શોધી કાઢ્યા બાદ મહારાષ્ટ્ર એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને સક્રિય કરવામાં આવી હતી અને એરપોર્ટ અને રેલવે સ્ટેશનો પર સામાનની તપાસ કરવામાં આવી હતી. જો કે, કંઈ શંકાસ્પદ મળ્યું ન હતું.
સુરક્ષા અધિકારીઓનું કહેવું છે કે, આગામી કેટલાક દિવસો સુધી સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રહેશે અને સુરક્ષા દળો હાઈ એલર્ટ પર રહેશે. એરપોર્ટની સાથે એક મોટા ઉદ્યોગ સમૂહને પણ ધમકીભર્યો ઈમેઇલ મળ્યો હતો. આ ઉપરાંત એક બેંક, એક ખાનગી એરલાઈન કંપની અને એક અખબારને પણ ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા. સીઆઈએસએફના અગરતલા, ગયા, ઈમ્ફાલ, શ્રીનગર અને વારાણસી એકમોને પણ આવો જ ઈમેલ મોકલવામાં આવ્યો હતો.