May 19, 2024

Pakistan: બલૂચિસ્તાનમાં ઉમેદવારના કાર્યાલયની બહાર વિસ્ફોટ, 12 લોકોના મોત

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં બુધવારે ઉમેદવારના કાર્યાલયની બહાર જોરદાર વિસ્ફોટ થયો હતો. જેમાં 12 લોકોના મોત થયા હતા. જ્યારે કેટલાંક લોકો ઘાયલ થયા હતા. સામાન્ય ચૂંટણીના એક દિવસ પહેલા બુધવારે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં એક અપક્ષ ઉમેદવારના ચૂંટણી કાર્યાલયની બહાર થયેલા વિસ્ફોટમાં 12 લોકો મોત થયા હતા. બલૂચિસ્તાનના પિશિન જિલ્લામાં ખાનોઝાઈ વિસ્તારમાં અપક્ષ ઉમેદવાર અસફંદયાર ખાન કાકરની ઓફિસની બહાર બ્લાસ્ટ થયો હતો.

આ પણ વાંચો : પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો, 10ના મોત

પંગુરના વરિષ્ઠ પોલીસ અધિકારી અબ્દુલ્લા ઝેહરીએ જણાવ્યું હતું કે, “અપક્ષ ઉમેદવાર અસફંદયાર ખાન કાકરના કાર્યલયની બહાર જોરદાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે અને કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. આ ઘટના બાદ પોલીસે જણાવ્યું કે બોમ્બ ઉમેદવારના ચૂંટણી કાર્યાલયની બહાર લગાવેલી બેગમાં હતો જેમાં ‘ટાઈમર’ લગાવવામાં આવ્યો હતો. નોંધનીય છે કે પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાવાની છે અને તે પહેલા બલૂચિસ્તાનમાં હિંસા ચરમસીમાએ છે.

અગાઉ પોલીસ સ્ટેશનને નિશાન બનાવ્યું
અગાઉ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી પહેલા ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં મોટો આતંકી હુમલો થયો છે. આ આતંકવાદીઓએ એક પોલીસ સ્ટેશનને નિશાન બનાવ્યું છે, જેમાં 10 પોલીસકર્મીઓ શહીદ થયા છે. નોંધનીય છે કે પાકિસ્તાનમાં 8મી ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાવાની છે, તે પહેલાં જ આતંકવાદી ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ડેરા ઈસ્માઈલ ખાનમાં એક પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો થયો આ આતંકી હુમલામાં 10 પોલીસકર્મીઓ શહીદ થયા છે.